ગુજરાતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

0
919
Gujarat Patidar Leader Alpesh Kathiria Out Of Jail Sanakalp Yatra Start

ગુજરાતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલમુકિતને લઈને સુરતમાં પાટીદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથીરિયાને તમામ કેસમાંથી જામીન મળ્યા બાદ આજે રવિવારે તેની જેલમુકિત થઈ છે. તેમજ તેની સાથે જ પાટીદારોએ અલ્પેશ કથીરિયાના ભવ્ય સ્વાગત બાદ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ સંકલ્પ યાત્રા આવતી કાલે ૧૦ ડિસેમ્બરે ખોડલધામ જશે અને ત્યારબાદ ૧૧ ડિસેમ્બરે મા ઊમિયાના ધામ ઊંઝા પહોંચીને સંકલ્પ યાત્રાનું સમાપન થશે.અલ્પેશ કથીરિયા જેલમુક્ત થતા હાર્દિક પટેલે પણ જેલ બહાર તેમનું સ્વાગત કર્યું હતું અને સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

રાજદ્રોહ કેસ સહિતના અન્ય કેસોમાં જેલમાં બંધ પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા આજે રવિવારે જેલમાંથી બહાર આવ્યા હતા. અલ્પેશના ભવ્ય સ્વાગત માટે પાસના કાર્યકર્તાઓ અને પાટીદારો અસંખ્ય સંખ્યામાં જેલ બહાર પહોંચ્યા હતા. અલ્પેશની જેલ મુક્તિના સમાચાર સાંભળવાની સાથે જ પરિવારમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. બીજી તરફ અલ્પેશ કથીરિયાની જેલ મૂક્તીના પગેલ લાજપોર જેલબહાર મોટી સંખ્યામાં પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના ત્રીજા કેસમાં પણ જામીન મળ્યા છે. જેના લીધે સુરતની લાજપોર જેલમાંથી તેમની મુકિતનો માર્ગ મોકળો થયો છે. અલ્પેશ કથીરિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૯ ઓગસ્ટના રોજ અમદાવાદમાં રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. જેની બાદ તેમને હાઈકોર્ટે ૨૦ નવેમ્બરના રોજ જામીન આપ્યા હતા. તેમજ તે સમયે સુરત કોર્ટે તેમના સુરત રાજદ્રોહ કેસમાં જામીન આપ્યા ન હતા. જેના લીધે હાઈકોર્ટે એક કેસમાં જામીન આપ્યા હોવા છતાં તેમને સુરત જેલમાં જ રહેવું પડ્યું હતું.

જયારે સુરતની કોર્ટમાં અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં ૩ ડિસેમ્બરના રોજ ફરી જામીન આપ્યા હતા. જયારે તેની બાદ અલ્પેશ કથીરિયાને બીજા એક કેસમાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેની બાદ અલ્પેશ કથીરિયાને ૬ ડિસેમ્બરના રોજ જામીન આપવામાં આવ્યા છે. જો કે હાલમાં પોલીસે તેમની પર હવે બીજો કોઈ કેસ દાખલ કર્યો નથી. તેના લીધે આજે અલ્પેશ કથીરિયાની જેલમુકિત થાય તેવી શક્યતા હતી. જેને લઇને પાસ કાર્યકરો, પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY