બ્રેડની આ અવનવી વાનગીઓ બનાવો ઘરે

0
2472

1. બ્રેડ ઉપમા

બ્રેડ ઉપમા બનાવવાની સામગ્રી :
૮ બ્રેડ
૧ ડુંગળી બારીક સમારેલ
૨ ટામેટા બારીક સમારેલ
૨ લીલા મરચા બારીક સમારેલ
૧/૨ કપ મગફળીના દાણા શેકેલા
૧/૨ ચમચી હળદર પાવડર
એક નાની ચમચી લીંબુનો રસ
એક નાની ચમચી રાઈ
ચપટી હિંગ
૪કરી પત્તા
સ્વાદનુસાર મીઠું
તેલ

બ્રેડ ઉપમા બનાવવાની રીત :બ્રેડને નાના-નાના ટુકડામાં તળી લો. ગેસ પર પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, હિંગ અને કરી પત્તા વઘાર કરો. હવે તેમાં ડુંગળી અને મગફળીના દાણા નાખી મધ્યમ આંચ પર ફ્રાય કરો. હવે ડુંગળીનો રંગ બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં લીલા મરચા, ટામેટા, હળદર અને મીઠું મિક્સ કરી ૨ મિનિટ સુધી રાંધો. ફરીથી પેનમાં બ્રેડના ટુકડા નાખો, ઉપરથી થોડું પાણી રેડો. તેને ૨ મિનિટ સુધી મધ્યમ આંચ પર શેકી ગેસ બંધ કરી દો. તૈયાર છે બ્રેડ ઉપમા. તેને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.

2. બ્રેડ પનીર રોલ

બ્રેડ પનીર રોલ બનાવવાની સામગ્રી :
બ્રેડ સ્લાઈસ – ૪
પનીર – ૧ કપ
બટર – ૪ ચમચી
સમારેલી ડુંગળી – ૧ નંગ
ઝીણી સમારેલી કોથમીર
લાલ મરચું પાવડર – ૧/૨ ચમચી
જીરું પાવડર – ૧/૪ ચમચી
ગરમ મસાલો – 1/૨ ચમચી
ટોમેટો સોસ – ૨ ચમચી
મીઠું સ્વાદઅનુસાર
આદુની પેસ્ટ – ૧/૨ ચમચી

બ્રેડ પનીર રોલ બનાવવાની રીત : સૌપ્રથમ પનીર છીણી લો. હવે એક વાસણમાં પનીરનું મિશ્રણ, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું મિક્સ કરો. સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં ટોમેટો કેચપ અને આદુની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ બ્રેડને વેલણથી પાતળી વણી લો. તેના પર પનીરનું થોડું મિશ્રણ લઈ રોલ બનાવી દો. આ રોલ થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ રોલ પર બટર લગાવી શેકી લો.

3. બ્રેડ પીઝા

બ્રેડ પીઝા બનાવવાની સામગ્રી :
સેન્ડવિચ બ્રેડ (બ્રાઉન અથવા વ્હાઇટ) – ૬
સ્વીટ કોર્ન – ૧/૨ કપ
શિમલા મરચું – ૧ સમારેલું
પનીરના નાના ટુકડા સમારેલા – ૧/૪ કપ
ડુંગળી ઝીણી સમારેલી – ૧ નંગ
ટામેટુ સમારેલું – ૧ નંગ
બટર – ૪-૫ ચમચી
મોજરેલા ચીઝ છીણેલી – ૧ કપ
મરી પાવડર -૧/૪ ચમચી
ટામેટા સોસ અથવા પીઝા સોસ – ૫-૬ ચમચી
મીઠું સ્વાદ અનુસાર

બ્રેડ પીઝા બનાવવાની રીત : સૌથી પહેલા બ્રેડની સ્લાઈસ પર બટર અને સોસ લગાવો. ત્યારબાદ તેમાં સમારેલા તમામ શાકભાજી અને પનીર બ્રેડની સ્લાઈસ ઉપર ફેરવી દો. તેની પર મીઠું અને મરી પાવડર નાખો. ત્યારબાદ છીણેલી મોજરેલા ચીઝ બ્રેડની ઉપર ફેલાવી દો. હવે એક નોન સ્ટિક તવાને ગરમ કરીને તેના ઉપર થોડું બટર નાખો અને બધી સામગ્રી નાખીને તૈયાર કરેલી બ્રેડની સ્લાઈસ તવા પર મૂકી દો અને તેની ઉપર પ્લેટ ઢાંકીને ધીમી આંચ પર ચીઝ પીગળવાની બ્રેડ કડક થાય ત્યાં સુધી રાખી મૂકો. આ પ્રકારે બધી બ્રેડના પીઝા બનાવી લો.

4. બ્રેડ પકોડા

બ્રેડ પકોડા બનાવવા માટેની સામગ્રી :
૮ બ્રેડ મધ્યમ આકારની
૧ બાઉલ બેસન
૨ ડુંગળી
૪ લીલા મરચા
૧ ચમચી કોથમીર
૧/૪ ચમચી વરિયાળી
૧/૪ ચમચી જીરું
૧/૪ ચમચી અજમો
નાનો ટુકડો આદુ
૧/૪ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી ધાણા પાવડર
૧ ચમચી લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

બ્રેડ પકોડા બનાવવા માટેની રીત :સૌથી પહેલા ડુંગળી, લીલા મરચા, કોથમીર બારીક સમારી લો પછી તેમાં બધા મસાલા મિક્સ કરી બેસન ઉમેરો અને થોડું-થોડું પાણી નાખી તેને મિક્સ કરી ખીરું તૈયાર કરો. બેસનના ખીરાને થોડુ પાતળું રાખો જેથી તે બ્રેડને ચોટી શકે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી એક-એક બ્રેડને બેસનના ખીરામાં બોળી ધીમી આંચ પર તળો. તૈયાર બ્રેડ પકોડાને સોસ અને ડુંગળી સાથે સર્વ કરો.

5. બ્રેડના ગુલાબજાંબુ

બ્રેડના ગુલાબજાંબુ બનાવવા માટેની સામગ્રી :
બ્રેડની સ્લાઈસ – ૬
મેંદો – ૧ ચમચી
જીણી સોજી – ૧ ચમચી
દૂધ – ૩ ચમચી
એલચી પાવડર – ૧/૨ ચમચી
બુરુ ખાંડ – ૧/૨ ચમચી
માવો – ૧ ચમચી
ચિરોંજી – ૧ ચમચી
કતરેલા પિસ્તા – ૧ ચમચી
તળવા માટે તેલ

બ્રેડના ગુલાબજાંબુ બનાવવા માટેની રીત :બુરુ ખાંડમાં માવો, ચિરોંજી અને એલચી મેળી દો. બ્રેડને એક પ્લેટમાં ફેલાવી દુધમાં પલાળી દો. પાંચ મિનિટ પછી બ્રેડને નિચોવી દો જેથી તેમાંથી દુધ નીક્ળી જશે. ત્યારબાદ તેમાં મેંદો અને સોજી મેળવો. મિશ્રણ વધારે કડક ના થવું જોઈએ. ત્યારબાદ મિશ્રણની નાની નાની ગુલ્લી બનાવો. દરેક ગુલ્લીની વચ્ચે માવાવાળો મસાલો ભરી બંધ કરી દો. ખાંડ અને પાણીની એક તારની ચાસણી બનાવી અલગ રાખો. હવે ગરમ તેલમાં મધ્યમ આંચ પર બ્રાઉન થવા સુધી તેને તળો અને ગરમ ચાસણીમાં નાખી દો. ૨ થી ૩ કલાક ચાસણીમાં ગુલ્લીઓ પલળવા દો. ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા પછી તેને પિસ્તાની કતરણ વડે સજાવો.

6. મસાલા બ્રેડ ચાટ

મસાલા બ્રેડ ચાટ બનાવવા માટેની સામગ્રી :
૭-૮ બ્રેડ સ્લાઇસ,
૧ કાપેલી કાકડી,
૨ કાપેલા ગાજર,
૧ કાપેલી ડુંગળી,
૧ કાપેલું ટામેટું,
સ્વાદાનુસાર મીઠું,
૧/૨ ચમચી મરીનો પાવડર,
૧/૨ ચમચી લીંબુનો રસ,
સેવ, કાપેલી કોથમીર

મસાલા બ્રેડ ચાટ બનાવવા માટેની રીત : સૌ પ્રથમ બ્રેડને નાના-નાના ટૂકડા કરી લો. ત્યાર પછી બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાખી ગાર્નિશ કરો. તૈયાર છે ઇન્સ્ટન્ટ મસાલા બ્રેડ ચાટ. હવે તેને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY