બનાવો ઈડલીની આ ચટપટી વેરાયટી

0
3047

1. સાદી ઈડલી

સામગ્રી :
ચોખા – ૨,૧/૨ કપ
પૌંઆ અથવા બાફેલા ભાત – ૧/૨ કપ
અડદની દાળ ધોયેલી – ૧ કપ
મીઠું સ્વાદ અનુસાર
તેલ ૨ ચમચી ઈડલી સ્ટેન્ડમાં લગાવવા માટે

રીત : અડદની દાળ અને ચોખાને સ્વચ્છ પાણીથી સાફ કરીને ૬ કલાક અથવા આખી રાત માટે પાણીમાં પલાળીને રાખો. જો પૌંઆ નાખતા હોય તો તેને પણ પાણીમાં પલાળો. દાળ અને ચોખા માંથી વધારાનું પાણી નીકાળી દો અને ઓછા પાણીનો ઉપયોગ કરીને દાળને એકદમ ઝીણી ક્રશ કરી લો અને ચોખાને થોડા મોટા ક્રશ કરી લો. ક્રશ કરતા સમયે પૌંઆ નાખી દો જેથી તે પણ ક્રશ થઈ જાય. ક્રશ કરેલા ચોખા અને દાળને સારી રીતે મિક્સ કરી દો અને મીઠું સ્વાદ અનુસાર મેળવી દો અને ખીરું તૈયાર કરી લો.

ઈડલી બનાવવા માટે મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણને ચમચા વડે હલાવો જો મિશ્રણ જાડું લાગે તો તેમાં થોડું પાણી ઉમેરો. પ્રેશર કુકરમાં ૨ નાના ગ્લાસ પાણી ઉમેરીને ગરમ કરવા માટે ગેસ પર રાખો. ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવીને તેમાં મિશ્રણ ભરો. ઈડલી સ્ટેન્ડના બધા ખાના ભરાઈ જાય પછી સ્ટેન્ડને કુકરમાં મૂકો. કુકરનું ઢાંકણું બંદ કરી લો અને ઢાંકણાની ઉપર સીટી લગાવશો નહિ. ઝડપી ગેસની આંચ પર ૧૦-૧૨ મિનિટ સુધી ચડવવા દો. ત્યારબાદ ગેસ બંદ કરીને પેશર કુકર ખોલો અને ઈડલી સ્ટેન્ડ બહાર નીકાળો. તેને છરીની મદદથી ઈડલી નીકાળીને પ્લેટમાં મૂકી દો. ઈડલી તૈયાર છે તેને ગરમા ગરમ સંભાર અને નાળિયેરની ચટણી સાથે પીરસો.

2. સ્વીટકોર્ન ઈડલી

સામગ્રી :
સ્વીટ કોર્ન (મકાઈ) – ૨ નંગ
સોજી – ૧ કપ
દહીં – ૧ કપ
લીલા વટાણા – ૧/૨ કપ
તેલ – ૨ મોટી ચમચી
આદુ પેસ્ટ – ૧ નાની ચમચી
લીલા મરચા – ૧,૨
રાઈ – ૧/૨ નાની ચમચી
અડદની દાળ – ૧ નાની ચમચી
ચણાની દાળ – ૧ નાની ચમચી
મીઠું સ્વાદ અનુસાર

રીત : મકાઈના દાણાનો પલ્પ તૈયાર કરી લો. કોઈ મોટા વાસણમાં દહીં અને સોજી એકસાથે મિક્સ કરો. જ્યારે દહીં અને સોજી સરખી રીતે મિક્સ થઈ જાય, ત્યારે આ ખીરામાં મકાઈનું મિશ્રણ, મીઠું, આદુ, લીલા મરચા મિક્સ કરો. હવે એક અલગ વાસણમાં થોડું તેલ ગરમ કરો. તેલમાં રાઈ નાખો, રાઈ તતડવા લાગે પછી ચણા અને અડદની દાળ મિક્સ કરો. ત્યારબાદ તેમાં મકાઈનું મિશ્રણ અને વટાણાના દાણા મિક્સ કરો. હવે આ મિશ્રણને ૧૦ મિનિટ માટે ઢાંકીને રાખો જેથી સોજી સરખી રીતે મિક્સ થઈ જાય. હવે દહીં, સોજી અને મકાઈના મિશ્રણમાં ઈનો મિક્સ કરો. પ્રેશર કુકરમાં બે ગ્લાસ પાણી ગરમ કરો. ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી લો. ત્યારબાદ સ્ટેન્ડમાં થોડું-થોડું મિશ્રણ નાખી ભરી લો. પાણી ગરમ થતા તેમાં ઈડલીનું સ્ટેન્ડ મૂકી તેને ઢાંકી દો. સીટી લગાવ્યા વગર કૂકરનું ઢાંકણું બંધ કરી દો.

3. બાજરા ઈડલી

સામગ્રી :
૧ કપ બાજરી
૧ ટેબલ સ્પૂન ઈડલી ચોખા
૧/૨ કપ દહીં
૧/૨ કપ અડદની દાળ
૧ ટેબલ સ્પૂન રવા
૧ ચપટી જીરૂં
૧ નાનું નંગ ગાજર
મીઠું સ્વાદાનુસાર
કોથમીર

રીત : સૌપ્રથમ એક કડાઈને ગરમ કરો. કડાઈ ગરમ થાય એટલે તેમાં બાજરી નાખીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં ચોખા નાખીને એકાદ મિનિટ શેક્યા બાદ ગેસ બંધ કરી દો. બાજરી અને ચોખા થોડા ઠંડા થાય ત્યાર બાદ તેને છથી આઠ કલાક માટે પલાળી દો. અડદની દાળને પણ બરાબર સાફ કરીને ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. હવે બાજરી, ચોખા અને દહીંને મિક્ષ કરીને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. અડદની દાળની પણ સ્મૂધ પેસ્ટ બનાવી લો. બંને પેસ્ટને મિક્ષ કરીને ખીરૂં તૈયાર કરો. પાણીની જરૂર લાગે તો થોડું ઉમેરી લો. ગાજરને છાલ કાઢીને છીણી લો. કોથમીરને પણ ધોઈને સમારી લો. બાજરીના ખીરામાં રવો, ગાજર, જીરૂં, કોથમીર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. તૈયાર છે ઈડલીનું સ્વાદિષ્ટ ખીરૂં. ત્યાર બાદ ઈડલી કૂકરમાં વરાળથી ચઢવીને ઈડલી ઉતારી લો. ગરમા-ગરમ ઈડલીને ચટણી સાથે સર્વ કરો.

4. ઇડલી મંચુરિયન

સામગ્રી :
ઈડલી – ૮
કોર્ન ફ્લોર – ૧/૨ કપ
મેંદો – ૧,૧/૨ કપ
સોયા સોસ -૧,૧/૨ ચમચી
આદુ-લસણની પેસ્ટ – ૧/૨ ચમચી
તેલ – તળવા માટે

ગ્રેવીની સામગ્રી :
ડુંગળી – ૧ નંગ
લીલા મરચા – ૪
આદુ – નાનો કટકો
શિમલા મરચું – ૧
સોયા સોસ – ૧/૨ ચમચી
કોર્ન ફ્લોર – ૧/૨ કપ
બારીક સમારેલ લીલી ડુંગળી

રીત : સૌથી પહેલા ઈડલીને નાના ટુકડામાં સમારી લો. હવે અન્ય બધી સામગ્રી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. મેંદો, કોર્નફલોર, આદુ-લસણની પેસ્ટ, થોડું મીઠું અને પાણી. હવે ઈડલીના કટકાને આ ખીરામાં ડુબાડી તળી લો. ઈડલી તળીને તૈયાર કરો. હવે ડુંગળી, લીલા મરચા, આદુ અને શિમલા મરચાને બારીક સમારી લો. એક કઢાઈમાં ૧ ચમચી તેલ નાખો અને તેમાં આ સામગ્રીઓ શેકી લો. ત્યારબાદ તેમાં ૧/૨ ચમચી સોયા સોસ મિક્સ કરી ઉપરથી ફ્રાય ઈડલી નાખો. હવે તેમાં કોર્નફલોર ૨ કપ પાણી સાથે મિક્સ કરો. તેને ઉકાળી ગેસ બંધ કરી દો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

5. મસાલા ઈડલી

સામગ્રી :
૮ ઈડલી, ચોરસમાં સમારેલ
૧ મોટી ડુંગળી, સમારેલ
૧ મોટું ટામેટા, સમારેલ
૧/૨ કપ મકાઈ, બાફેલી
૨ લીલા મરચા, બારીક સમારેલ
૧/૨ ચમચી આદુ છીણેલુ
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર
૧ ચમચી સંભાર મસાલો
૧/૨ લીંબુનો રસ
સમારેલ કોથમીર ગાર્નિશ માટે

વઘાર માટે :
૩ થી ૪ સૂકા લાલ મરચા
૧/૨ ચમચી રાઈ
૫-૬ કરી પત્તા
૧/૨ અડદની દાળ
ચપટી હિંગ
૧ ચમચી તેલ

રીત : વધેલી ઈડલીને ચોરસ ટુકડામાં કાપો. હવે નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં વઘારની બધી સામગ્રીઓ મિક્સ કરો. જ્યારે તે તતળવા લાગે ત્યારે તેમાં લીલ મરચા અને આદુ મિક્સ કરી થોડો ટાઈમ હલાવો. ત્યારબાદ સ્લાઈઝ કરેલ ડુંગળી નાખી તેને શેકી લો. ત્યારબાદ ટામેટા નાખી મુલાયમ થવા સુધી તેને શેકો. હવે બાફેલી મકાઈ અને મસાલા નાખી સરખી રીતે મિક્સ કરો. પછી ઈડલી નાખી ૫ થી ૭ મિનિટ સુધી મિક્સ કરી હલાવો. ઉપરથી લીંબુનો રસ નાખી કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY