બનાવો આ ખાસ ચાઇનીઝ વાનગીઓ

0
2926

1. વેજીટેબલ મંચુરિયન

સામગ્રી :
૨ કપ છીણેલું ગાજર, ૨ કપ છીણેલી કોબી
૧ કપ છીણેલું ફ્લાવર, ૧/૪ કપ ક્રશ કરેલા વટાણા
૫- ૬ કળી લસણ, ૧ નંગ બારીક સમારેલી લીલી ડુંગળી
બારીક સમારેલા લીલા મરચા, ૧ ચમચી ચીલી સૉસ
૧ ચમચો સોયા સૉસ, ૧ ચમચો મેંદો
૩ ચમચા કોર્ન ફ્લૉર, ૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી આદુની પૅસ્ટ, ૧/૪ ચમચી અજિનોમોટો
મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ

રીત : છીણેલું ગાજર, છીણેલી કોબી, છીણેલું ફ્લાવર, ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો. પછી તેમાં કોર્ન ફ્લૉર, મેંદો, લીલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને એક ચપટી જેટલો અજિનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો. એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

હવે એક અલગ ફ્રાઈંગ પૅનમાં ૨ ચમચા તેલ મુકી બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુની પૅસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચા સાંતળી લો. ત્યારબાદ તેમાં પાણી, ૧/૨ ચમચી કોર્ન ફ્લૉર્ , મીઠું, અજિનોમોટો, મરી, સોયા સૉસ, ચીલી સૉસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ. ફ્રાઈંગ પૅનને ઢાંકીને ૩-૪ મિનિટ સુધી ચડવા દો. પછી તેને ગરમ ગરમ સર્વ કરો.

2. ચાઈનીઝ નુડલ્સ સમોસા

સામગ્રી :
મેંદો – ૧ કપ
અજમો – ૧/૪ નાની ચમચી
મીઠું સ્વાદપ્રમાણે
ઘી- ૨ ચમચી

સ્ટફિંગ માટે :
નુડલ્સ – ૧ કપ
મશરૂમ – ૨ બારીક સમારેલા
ગાજર – ૧/૪ કપ
લીલા વટાણા – ૧/૪ કપ
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – ૧/૪ નાની ચમચી
કાળી મરી – ૧/૪ ચમચી
કોથમીર – ૨ થી ૩ ચમચી
લીંબુનો રસ – ૧ ચમચી
સોયા સોંસ – ૧/૨ ચમચી
લીલા મરચાં – ૧ સમારેલા
આદુ અડધો ઈંચ

રીત : સમોસા માટે સૌથી પહેલા લોટ બાંધીને તૈયાર કરી લો. એક બાઉલમાં મેંદો, અજમો, મીઠું અને ઘી નાખી લોટની જેમ બાંધી લો. આ લોટને અડધા કલાક માટે ઢાંકીને મુકી દો જેથી લોટ સારી રીતે તૈયાર થઈ જાય. ત્યાં સુધી સમોસા માટે સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટફિંગ તૈયાર કરવા માટે :
કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો. ગરમ તેલમાં આદુ અને લીલા મરચાં નાખી તેને શેકો. વટાણાના દાણા નાખી બે મિનિટ સુધી શેકો ત્યારબાદ તેમાં ગાજર નાખી એક મિનિટ સુધી શેકો. ત્યારપછી મશરૂમ ,મીઠું, લાલ મરચું પાવડર, મરી પાવડર, સોયા સોસ અને લીંબુનો રસ ઉમેરી તેને ૧ મિનિટ સુધી હલાવો. પછી તેમાં નૂડલ્સ અને કોથમીર નાખી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે.

સમોસા બનાવવા માટે :
લોટને મસળીને લોઈ બનાવી રોટલી જેમ વણી લો. પછી ચારેબાજુ બરાબર કાપી એક ભાગને ઉપાડી વચમાં આંગળી નાખી કોન જેવો બનાવી લો. કોનમાં ચમચીથી સ્ટફિંગ ભરો. કોન ઉપરથી થોડો ખુલ્લો રાખો. એની કોર પર પાણી લગાવી આ કોનમાં સ્ટફિંગ ભરી કિનારીઓને બંધ કરી દો. આ પ્રકારે બધા સમોસા તૈયાર કરો.

સમોસા ફ્રાય કરો :
કઢાઈમાં તેલ ગરમ કરો. મિડીયમ ગરમ તેલમાં ૩-૪ સમોસા ફ્રાય કરો. મિડીયમ અને ધીમી આંચ પર સમોસા પલટી તેને તૈયાર કરો. બધા સમોસા આ પ્રકારે તૈયાર કરી લો.

3. ચીઝી ચાઇનીઝ ટોસ્ટ

સામગ્રી :
સેન્ડવીચ બ્રેડ : ૮ નંગ
કોબીજ, ગાજર, ફણસી, કેપ્સીકમ લાંબા સમારેલ : ૧/૨ બાઉલ
બાફેલ નુડલ્સ : ૧/૨ બાઉલ
સોયા સોસ : ૧ ટી.સ્પુન
ચીલી સોસ : ૨ ટી.સ્પુન
સુકી અથવા લીલી ડુંગળી : ૨ નંગ
આજીનો મોટો : ૧/૪ ટી.સ્પુન
મીઠું : સ્વાદ પ્રમાણે
આદુ, મરચા, લસણ ની પેસ્ટ : ૨ ટી.સ્પુન
લીલી ચટણી [કોથમીર, ફુદીના, આદુ-મરચા ની]
ટોમેટો કેચપ
ચીઝ : ૪ ક્યુબ

રીત : સૌ પ્રથમ એક કડાઈ માં ૨ ટી.સ્પુન તેલ લઇ તેમાં આદુ-મરચા-લસણ ની પેસ્ટ સાંતળી પછી તેમાં લીલી અથવા સુકી ડુંગળી સાંતળવી. ત્યારબાદ તેમાં લાંબા સમારેલ કોબીજ, ગાજર, ફણસી અને કેપ્સીકમ ને ૩ મિનીટ સાંતળવા. હવે તેમાં મીઠું, આજીનો મોટો, બાફેલ નુડલ્સ, ચીલી સોસ, સોયા સોસ, વગેરે નાખવું. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી ૨ ક્યુબ ચીઝ નાખવું. ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ ની આગળ-પાછળ બટર લગાવી તેની ઉપર લીલી ચટણી લગાવવી. અને તેની ઉપર ચાઇનીઝ મિશ્રણ પાથરી બીજ બ્રેડ ની પણ આગળ-પાછળ બટર લગાવી. એક બાજુ ટોમેટો કેચપ લગાવી તેને સેન્ડવીચ તરીકે ગોઠવવી. હવે આ તૈયાર સેન્ડવીચ ને ટોસ્ટ કરી લેવી. ટોસ્ટ પર ચીઝ ખમણી લીલી ચટણી અને ટોમેટો કેચપ વડે ચેક્સ કરી ચાઇનીઝ સલાડ સાથે આ સર્વ કરવા.

4. ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઇસ

સામગ્રી :
૨ કપ ચોખા
૨૫૦ ગ્રામ કોબી
૧૦૦ ગ્રામ ગાજરના ટુકડા
૧૫૦ ગ્રામ લીલા વટાણા
૫ થી ૬ નંગ લીલા સમારેલા મરચા
૨ ટેબલ સ્પૂન લીલા સમરેલા ધાણા
૨ ટી સ્પૂન સોયા સૉસ
૨ ટી સ્પૂન લસણની પેસ્ટ
૨ ટી સ્પૂન આદુની પેસ્ટ
૨૫૦ ગ્રામ લીલી સમારેલી ડુંગળી
૧ ટેબલ સ્પૂન ચિલી સૉસ
૧ ટી સ્પૂન સરકો
૧૦૦ ગ્રામ તેલ
મીઠું સ્વાદ અનુસાર
૧/૪ ટી સ્પૂન અજીનોમોટો
બાદીયા, તજ, લવિંગ, તીખા,
તેજ પત્તા-વઘાર માટે

રીત : સૌ પ્રથમ ૨ કપ બાસમતી ચોખાને બાફી લો. ત્યાર પછી કડાઈમાં ૧૦૦ ગ્રામ તેલ ઉમેરો, તેલ ગરમ થઈ ગયા પછી લસણ-આદુની પેસ્ટને સાતળો. લીલી સમારેલી ડુંગળી, સમારેલા મરચા , વટાણા, ગાજર, કોબી ઉમેરો અને નરમ થઈ ત્યાં સુધી પકાવો.ત્યાર પછી હવે સોયા સૉસ, ચિલ્લી સૉસ, સરકો, અજીનોમોટો અને નમક ઉમેરી મિશ્રણને સારી રીતે મિક્ષ કરો અને પછી ચોખા ઉમેરો. ચોખા અને શાકભાજી સારી રીતે ભળી જાય ત્યાં સુધી મિક્ષ કરો. અને બીજી કડાઈમાં થોડું તેલ ગરમ કરીને બાદીયા, તજ, લવિંગ, તીખા અને તેજ પત્તાનો વઘાર કરીને વેજ ફ્રાઇડ રાઇસમાં નાંખી દો. અને તેને ઢાંકી દો અને ૫ મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. હવે લીલી ડુંગળીના ઝીણા સમારેલ પત્તાં અને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.

5. ચાઈનીઝ કોર્ન પકોડા

સામગ્રી :
૫૦૦ ગ્રામ મકાઈ
૧/૨ કપ દૂધ
૧ ટેબલ સ્પૂન કોર્નફલોર
૧/૨ ટી સ્પૂન મરીનો ભૂકો
૧ ટી સ્પૂન સોયાસોસ
૧ ટી સ્પૂન ચીલીસોસ
૫૦ ગ્રામ ડુંગળી (૧ નંગ )
૫૦ ગ્રામ કેપ્સીસમ (૧ નંગ )
૧/૪ કપ મેંદો
સેન્ડવીચ બ્રેડ
તેલ જરૂર મુજબ
મીઠું સ્વાદાનુસાર

રીત : મકાઈના દાણા કાઢીને બાફી લેવા. ઠંડા દૂધમાં કોર્નફલોર ઓંગાળી વાઈટ સોસ બનાવવો . તેમાં મકાઈના દાણા, મીઠું, મરીનો ભૂકો, સોયાસોસ, ચીલીસોસ, ડુંગળી (ઝીણી સમારેલી) અને કેપ્સીકમ (જીણા સમારેલા) ઉમેરવા. મેંદામાં મીઠું અને પાણી નાખી ખીરું તૈયાર કરવું. બ્રેડની કિનારી કાઢી ચોરસ ટુકડા કરવા. બ્રેડ ઉપર માવો મૂકી, માવાવાળી બાજુ ખીરામાં બોળીને તળવા. જો માવો ઢીલો લાગે તો માવા ઉપર રવો કે ટોસ્ટનો ભૂકો પાથરવો. પછી ખીરામાં બોળીને તળવા. ત્યાર બાદ તેને સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY