ઘરે બનાવો ડિફરન્ટ ઉત્તપમ

0
5102

1. વેજીટેબલ ઉત્તપમ

સામગ્રી :
ચોખા ૪કપ
મીઠું સ્વાદાનુસાર
અડદની દાળ ૧ કપ
મેથી ૧ ટી સ્પૂન
કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારીને મિક્સ કરી લો.

રીત: ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ-ચોખાને અલગ અલગ એક્દમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચા બનશે.

પછી નોનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો. ઉપરથી ઝીણા સમારેલા કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો. સ્વાદ માટે ઉપરથી મરીનો પાવડર છાંટી શકાય. ઉત્તપમ બનાવતી વખતે નોનસ્ટિક તવીને પહેલા ગરમ થવા દઈને પછી એક કોટનના કપડાને ભીનું કરી તવીને લુછવી. દરેક વખતે આટલું કરવાથી ખીરુ સારી રીતે પથરાશે અને ઉત્તપમ સહેલાઈથી ઉખડી જશે. પછી તેને ચટણી સાથે સર્વ કરો.

2. બાજરીના ઉત્તપમ

સામગ્રી :
૧ કપ બાજરી
૧/૪ કપ અડદની દાળ
૧/૨ કપ લીલું નારિયેળનું છીણ
૨ નંગ લીલા મરચાં સમારેલાં
૧/૨ કપ કોથમીર સમારેલી
૧ ટી સ્પૂન મેથીના દાણા
૧ કપ ડુંગળી સમારેલી
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ

રીત :સૌપ્રથમ બાજરી, અડદની દાળ અને મેથીને બરાબર સાફ કરીને છથી સાત કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી કાઢીને તેને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ ખીરાને પાંચથી છ કલાક માટે ઢાંકીને આથો લાવવા માટે મૂકી દો. ત્યારબાદ જ્યારે ઉત્તપમ બનાવવાના હોય તેના અડધો કલાક પહેલા તેમાં ડુંગળી, નારિયેળ, લીલા મરચાં, કોથમીર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. થોડી વાર માટે મૂકી રાખ્યા બાદ તેમાંથી ઉત્તપમ ઉતારો. એક નોન સ્ટિક તવો ગરમ કરો. ત્યાર બાદ તેમાં એક ચમચા જેટલું ખીરૂં પાથરો. બંને બાજુથી લાઈટ ગોલ્ડન રંગના થાય ત્યાર બાદ તેને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.

3. સોયા ઉત્તપમ

સામગ્રી :
૧/૨ કપ સોયા ફ્લેક્સ
૧ કપ બટર મિલ્ક
૧/૨ કો ચોખાનો લોટ
૧ ચમચી જીરું પાવડર
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી સંચળ પાવડર
૧/૨ ચમચી તેલ
૧/૨ ચમચી અડદ દાળ
૧/૨ ચમચી ચણાની દાળ
૧/૨ કો સોજી
૧ ડુંગળી સમારેલ
૧ ટામેટું સમારેલ
૧ શિમલા મરચું
૧/૨ ચમચી રાઈ

રીત : એક વાસણમાં તેલ ગરમ કરો, તેમાં અડદની દાળ, ચણાની દાળ, લીમડાના પત્તા અને હિંગ નાખો. ત્યારબાદ થોડી મિનિટ તેને હલાવો પછી તેમાં સોયા ફ્લેક્સ મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાણી અને મીઠું મિક્સ કરો. તેને ત્યાં સુધી રાંધો, જ્યાં સુધી તે નરમ નાં થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તેને ૧૦ મિનિટ સુધી ઠંડુ થવા દો. હવે તેમાં ચોખાનો લોટ, સોજી, છાશ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તેને અડધો કલાક બંધ કરીને રાખો. હવે તવો ગરમ કરી તેના પર તેલ લગાવો. હવે થોડું ખીરું લઈ તવા પર રેડો અને ત્યારબાદ બધા શાકભાજી તેની ઉપર નાખો. ઉત્તપમ ચોટે નહિ માટે તેની ચારેબાજુ તેલ રેડો. ત્યારબાદ તેને કવર કરી મધ્યમ આંચ પર શેકો. તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને પલટી દો. તૈયાર છે સોયા ઉત્તપમ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY