કાલથી રાજ્યમાં કોમન GDCR અમલી બનશે: નીતિન પટેલ

0
5608
Common GDCR will be implemented in the state tomorrow: Nitin Patel

રાજ્યના શહેરોમાં આયોજનબદ્ધ વિકાસ માટે બાંધકામના સમાન નિયમો

ગાંધીનગર: જનસુખાકારીના નિર્ણયો કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે માળખાગત સવલતોના નિર્માણ ક્ષેત્રે પણ આજે મહત્વનો નિર્ણય લઇ, રાજ્યના શહેરોમાં આયોજનબધ્ધ વિકાસ માટે રાજ્યમાં બાંધકામના સમાન નિયમોને (GDCR) ને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેના થકી દેશભરના અગ્રેસર રાજ્યો પૈકી ગુજરાત એક રાજ્ય બન્યું છે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિવિધ શહેરો, નગરોમાં અલગ-અલગ બાંધકામના નિયમો (GDCR) અમલમાં હતાં. જેથી રાજ્યના નાગરિકોને સમાન લાભો મળી શકતા નહોતા. આ નિયમો અમલી બનતાં સમગ્ર રાજ્યમાં કેટેગરી પ્રમાણે એક સમાન બાંધકામના નિયમો લાગુ પડતાં તમામ મહાનગરો અને નગરપાલિકાઓમાં રસ્તાની પહોળાઇ મુજબ બાંધકામની ઉંચાઇની મંજૂરી આપી શકાશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાનના ભાગરૂપે આ નિયમો અમલી થતાં સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ જેવા શહેરોમાં એફ.એસ.આઇ. વધુ મળતાં વધુ ઉંચાઇના બાંધકામની પરવાનગી મળશે. જેથી કરીને ઉદ્યોગ, ધંધા, રોજગારનો વ્યાપ વધશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

નગરપાલિકા એક્ટ, ટાઉન પ્લાનીંગ એક્ટ, અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટ હેઠળ આ નવા નિયમો લાગુ પડશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ ઉપરાંત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગુજરાતની મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ મધ્યમ વર્ગ માટે મોટા પ્રમાણમાં મકાનો બનાવવાની કામગીરી ચાલી રહી છે તેવી એફોર્ડેબલ હાઉસીંગ યોજનાના ઉદાર નિયમો રાજ્ય સરકારે જાહેર કર્યા છે તેનો સમગ્ર રાજ્યમાં એકસમાન ધોરણે લાભ મળશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, કોમન જી.ડી.સી.આર.ના અમલથી વિવિધ શહેરોમાં જુદા જુદા પ્રકારે એફ.એસ.આઇ. અને બાંધકામની મંજૂરી મળતી હતી તેમાં એકસૂત્રતા આવશે અને સ્થાનિક કક્ષાએથી જ મંજૂરીઓ મળતા વિકાસમાં વેગ આવશે. રાજયના સત્તા મંડળો અને નગરપાલિકા વિસ્તારો તથા જી.આઇ.ડી.સી.ઓને વિવિધ કેટેગરીમાં વહેંચાયા છે.

જેમાં (૧) ડી-૧ કેટેગરીમાં અમદાવાદ, વડોદરા,રાજકોટ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ કરાયો છે. (૨) ડી-૨ કેટેગરીમાં જામનગર, જુનાગઢ, ભાવનગર, ભરૂચ-અંકલેશ્વરનો સમાવેશ કરાયો છે. (૩) ડી-૭-અ માં અ અને બ વર્ગની નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા ડી-૭ બ માં ક અને ડ વર્ગની નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, અમદાવાદ તેમજ રાજકોટમાં ટ્રાન્ઝીટ કોરીડોરના લાભ મળે છે તે મુજબ સુરતમાં પણ ૪૫.૦ મી.ના રસ્તા પર રસ્તાની હદથી બન્ને તરફ ૨૦૦ મી.ના અંતરમાં આવતા અંતિમખંડોને ૪.૦ એફ.એસ.આઇ. આપવામાં આવશે, તે જ રીતે સુરત તથા વડોદરામાં ૩૬.૦ મીટરથી વધુ પહોળા રસ્તા પર રસ્તાની હદથી બન્ને તરફ ૨૦૦ મી.ના અંતરમાં આવતા અંતિમખંડોને ૩.૬ એફ.એસ.આઇ. આપવામાં આવશે. જયારે ડી-૭ કેટેગરીમાં અ, બ, ક તથા ડ એમ તમામ વર્ગની નગરપાલિકા હતી જેને વિવિધ ભાગમાં વહેચી અ-બ વર્ગની નગરપાલિકાને ડી-૭(એ) કેટેગરીમાં તથા વર્ગ- ક-ડ વર્ગની નગરપાલિકાને ડી-૭(બી) કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. ડી-૭(એ) કેટેગરીમાં એફ.એસ.આઇ. ૧.૮ ફ્રી મળવાપાત્ર છે.તેમાં ૦.૬ પેમેન્ટ એફ.એસ.આઈ. આપવામાં આવશે.

જયારે નોન ટી.પી. વિસ્તાર કચ્છ તથા ક અને ડ વર્ગની નગરપાલિકામાં કપાતનું ધોરણ ૪૦ ટકા હતુ તે ઘટાડીને ૩૦ ટકા અને અ અને બ વર્ગની નગરપાલિકા વિસ્તારમાં ૩૫ ટકા કપાતની જોગવાઇ કરવામાં આવી છે. ૨૫.૦ મી. સુધીની ઉંચાઇના મકાનોમાં પાર્કીંગ માટેના હોલો પ્લીન્થની હાઇટને બિલ્ડીંગની હાઇટમાંથી બાદ ગણાશે.

રાજ્યમાં ક અને ડ વર્ગની નગરપાલિકા સિવાય તમામ જગ્યાએ ૪૫.૦ મી. સુધીની ઉંચાઇના મકાનોની પરવાનગી મળી શકશે અને મહાનગરપાલિકાઓમાં ૩૬.૦ મી.થી વધુ પહોળાઇના રસ્તા પર ૭૦.૦ મી. સુધીની ઉંચાઇ મળશે. ૩૦૦- વ્યક્તિની કેપેસિટીના મલ્ટીપ્લેક્ષ હવે ૩૦.૦ મી.ના રસ્તાને બદલે ૨૪.૦ મી.ના રસ્તા પર અને ૨૫૦- વ્યક્તિની કેપેસિટીના મલ્ટીપ્લેક્ષ ૧૮.૦ મી.ના રસ્તા પર મળી શકશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

રાજયના શહેરો અને નગરોમાં બાંધકામ ક્ષેત્રે કોમન પ્લોટમાં ૧૫.૦ ચો.મી.ને બદલે ૫૦ ચો.મી. સુધીનુ બાંધકામ એફ.એસ.આઈ.માંથી બાદ મળશે. ૨૫૦ મી.થી મોટા પ્લોટમાં ભોયરામાં ટૂ-વ્હિલર માટે પરવાનગી અપાશે.

વડોદરામાં રસ્તાની પહોળાઇ મુજબ અલગ-અલગ પેઇડ એફ.એસ.આઈ.ના ધોરણો છે તેને બદલે તમામ રોડ પર વધુ એફ.એસ.આઈ. પેઇડના ધોરણે મળશે. બિલ્ડીંગને ફરતે ૬.૦ મી. છોડયા બાદ રેમ્પની પરવાનગી અપાશે.

વિકાસ નકશામાં ઘણી વાર સર્વે નંબર/બ્લોક નંબર દર્શાવવામાં ક્ષતી હોય તે રેવન્યુ રેકર્ડના આધારે ખરાઇ કરી પરવાનગીની કાર્યવાહી સક્ષમ સત્તાધિકારી કરી શકશે. કોમન જી.ડી.સી.આર.ના અર્થઘટન અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય તે માટે અપીલ કમિટીની રચના કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આમ સમગ્ર રીતે જોતા કોમન જી.ડી.સી.આર. રાજ્યના બિલ્ડીંગ વ્યવસાય માટે ખૂબ જ પ્રોત્સાહક થશે અને બાંધકામ ઉદ્યોગ વધતાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે અને હજારો બિલ્ડીંગો બનતાં નાગરિકોને ઘર-દુકાન-ઓફીસ વિગેરે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY