જસદણ પેટાચુંટણી માટે કોંગ્રેસ કુંવરજી બાવળિયા વિરુદ્ધ ટૂંકમાં ઉમેદવાર જાહેર કરશે

0
1626
Congress Will Shortly Declare Candiate Against Kuvarji Bavaliya For Jasadan By Election

જસદણ પેટા ચૂંટણીને લઇ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ બેઠક પરના પોતાના ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલી આપી છે. જેને પગલે હવે હાઇકમાન્ડની લીલીઝંડી મળ્યા બાદ ટૂંક સમયમાં જ જસદણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાની શકયતા છે. પેનલમાં અવસર નાકીયા, મનસુખ ઝાપડિયા, વિનુ ધડક અને ગજેન્દ્ર રામાણીના નામોનો સમાવેશ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ જ લેશે તેવું કોંગ્રેસના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું. બીજીબાજુ, જસદણના જંગ પહેલાં જ આજે ભાજપને બહુ મોટો ફટકો વાગ્યો હતો. ભાજપ સાથે છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેર વિધિવત્‌ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ભાજપને જસદણની ચૂંટણી પહેલાં જ પછડાટ ખાવાનો વારો આવ્યો છે. ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે જસદણના જંગમાં કોળી મતદારો થકી કોંગ્રેસને જીતાડવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠકના મતદારોમાં કોળી સમાજનું ભારે પ્રભુત્વ અને મહત્વ છે અને લાલજી મેર કોળી સમાજના બહુ મોટા ગજાના નેતા અને આગેવાન હોઇ ભાજપને કોળી મતદારોને લઇ લાલજી મેર તરફથી મોટો ફટકો પડે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચુંટણીની જાહેરાત બાદ રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિરુદ્ધ કોંગ્રેસ પણ મજબુત ઉમેદવારની પસંદગી કરશે. જે અંર્તગત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જસદણ પેટાચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ૩૨ ધારાસભ્યો અને ૩ પૂર્વ સંસદ સભ્યોને આ ચૂંટણીમાં જીત મેળવવા માટે અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ હાર ભાળી ગયા છે.જેને લઈને સતા અને રૂપિયાની લાલચ આપી કોંગ્રેસના કાર્યકરોને તોડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પક્ષ અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારને કરારો જવાબ આપવા માટે ભાજપને હરાવવાનું જનતા નક્કી કરી ચુકી છે. બીજીબાજુ, જસદણ બેઠક પર કોંગ્રેસ તરફથી તેના ઉમદેવારની સત્તાવાર જાહેરાત ટૂંકમાં થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY