Gujarat માં દરેક સમાજના પ્રશ્નોને ઉકેલવામાં ભાજપ નિષ્ફળ,વિધાનસભાનું સત્ર બોલાવો: Paresh Dhanani

0
1721
Gujarat Bjp Government Fail In Solve Social Problem Ask Special Assembly Session By CLP Paresh Dhanani

Gujarat વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પત્રકાર પરિષદમાં પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એ એક વિચારધારા છે. રાજ્યમાં આજે લોકશાહીને બચાવવી ખૂબ જરૂરી છે. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લધુમતી સમાજના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિના પ્રશ્નો જેવા ગંભીર પ્રશ્નો રાજ્યમાં ઉપસ્થિત થયા છે, ત્યારે આ તમામ મુદ્દે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસ પક્ષ માંગણી કરશે.

ધાનાણીએ પત્રકારો દ્વારા ઉપસ્થિત કરાયેલ પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય પંચાયતમાં ઉપસ્થિત રહેવા મને નિમંત્રણ મળ્યું હતું, પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોના કારણે હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકેલ નહીં અને ઉપસ્થિત ન રહેવા અંગેની જાણ પણ તેઓને કરેલ હતી. પાટીદાર ન્યાય પંચાયતમાં કોંગ્રેસ પક્ષના અન્ય પાટીદાર ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોને પણ નિમંત્રણ પાઠવવામાં આવેલ અને તેને માન આપીને પાટીદાર ધારાસભ્યશ્રીઓએ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને પાટીદાર ન્યાય પંચાયતમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ, સમાજના પ્રશ્નો, સમાજની લાગણીઓ અને માંગણીઓ અંગે ચર્ચામાં ભાગ લીધેલ. પાટીદાર ન્યાય પંચાયતમાં ભાજપ દ્વારા પાટીદાર સમાજ પર થયેલ દમન અને ૨૨ હજાર જેટલા કેસો પરત ખેંચવા ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં અપાયેલ વચનો અને ચૂંટણી બાદ ભૂલાઈ ગયેલ તે વચન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોએ તેમાં ભાગ પણ લીધો હતો.

કોંગ્રેસ પક્ષની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સહિત અન્ય ધારાસભ્યશ્રીઓને પણ આમંત્રણ અપાયા હતા. પરંતુ તેઓ શા માટે હાજર રહ્યા નહીં તેનો જવાબ તો તેઓ જ આપી શકશે.

કોંગ્રેસે પોતાની ફરજ નિભાવી છે. સમાજો-સંગઠનો પોતાની વેદના-પ્રશ્નો સાંભળવા કે સરકારે આપેલ વચનો ન નિભાવવામાં આવતા હોય તેવા પ્રશ્નો અંગે પણ કોંગ્રેસ પક્ષે સમાજો-સંગઠનોની લાગણી-માંગણી સમજી વિધાનસભાના ફલોર ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહેશે. પરંતુ ભાજપની કરણી-કથનીમાં ફેર છે. ચૂંટણી જીતવા ગમે તેવા વચનો આપી દેવા અને ચૂંટણી બાદ આપેલ વચનો ભૂલી જવા તે ભાજપનું કામ છે. ભાજપ એ ભૂલી જાય છે કે “પોદળા પડયા પછી ઉખાડીએ તો ધુળ લઈને જ આવે’ તેમ ભાજપ વચનો આપીને ફરી જાય છે, પરંતુ પ્રજા તે ભુલી નથી અને સમય આવ્યે પ્રજા ભાજપને જડબાતોડ જવાબ આપશે જ.

ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વધી રહેલ મોંધવારી, પેટ્રોલ-ડીઝલના ઐતિહાસિક ઊંચા ભાવ, મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને બળાત્કારના બનાવો વગેરે બનાવોથી ગુજરાતની પ્રજાનું અન્યત્ર ધ્યાન ખેંચવા અને આવા પ્રશ્નોથી બચવા માટે ભાજપ સરકાર “મા’ નામના શબ્દને આગળ ધરીને સમગ્ર નારી શક્તિનું અપમાન કરી રહી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઈ છે તેમજ ૧૮૮૭ મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી ભાજપ સરકાર મહિલાઓને સલામતી આપવાની માત્રને માત્ર વાતો જ કરે છે, પરંતુ મહિલાઓને સલામતી બક્ષી શકતી નથી.

ધાનાણીએ જણાવ્યું હતું કે, પાટીદાર પંચાયતમાં ઉભા થયેલા પ્રશ્નો અંગે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગણી કરાશે. આજે સિનિયર સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તરફતી પાટીદારો ઉપર થયેલા ખોટા કેસ અને બહેનોની કરેલી બેઈજ્જતી માટે માલવણ ખાતે પાટીદાર ન્યાય પંચાયતમાં લેવાયેલ નિર્ણય મુજબ તેમજ ન્યાય પંચાયતમાં થયેલ ઠરાવો મુજબ પાટીદાર બહેન-દીકરીઓ ઉપર થયેલા અમાનુષી અત્યાચાર અને પાટીદાર યુવાનો પર થયેલ ૨૨ હજાર જેટલા ખોટા કેસ, હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહના તથા અન્ય ગુનાઓ દાખલ થયેલ છે, તે અંગે બંને પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ કેસો પાછા ખેંચવા માટે પાટીદાર યુવાનોને હાર્દિક પટેલના નેતૃત્વમાં ખાતરી આપી હતી. હાલ ભાજપની સરકાર હોઈ અન્યાય સામે ન્યાય મેળવવા માટે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા હાજર રહેલ કોંગેસ પક્ષના ૧૨ ધારાસભ્યશ્રીઓ તરફથી થયેલ સૂચન સહિતનો પત્ર મળ્યો છે.

પાટીદાર સમાજની લાગણી-માંગણી પહોંચાડવા કોઈ વ્યક્તિ સમાજની વેદના વિરોધપક્ષ સમક્ષ વ્યક્ત કરે તે સમસ્યાના નિવારવા માટે વિરોધપક્ષ રજૂઆતો કરે, સમસ્યાને વાચા આપે તે કામ વિરોધપક્ષનું છે. આ સમસ્યાઓનું નિવારણ કરવાનું કામ સત્તાપક્ષનું છે. સરકાર સુધી પ્રજા વતી જે પ્રશ્નો વિરોધપક્ષ દ્વારા સરકારને મળ્યા હોય તેની ખુલ્લા મને ચર્ચા કરવા સરકારે વિશેષ સત્ર બોલાવવું જોઈએ. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લધુમતી સમાજના પ્રશ્નો, ખેડૂતોના પોષણક્ષમ ભાવ સહિત પાક વીમાના પ્રશ્નો, યુવાનોના રોજગારીના પ્રશ્નો અને રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો ઉભા થયા છે, જે વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે.

ભાજપ પ્રમુખ જીતુભાઈ વાધાણીને જ્યારે પાટીદાર ન્યાય પંચાયતનું આમંત્રણ આપવા પાટીદારો ગયા ત્યારે “હાર્દિક પટેલ તો કોંગ્રેસનું પીઠ્ઠુ છે’ તેવું નિવેદન તેમણે કર્યું હતું. વિધાનસભાની ગત ચૂંટણી પહેલાં પાસ તથા પાટીદારના યુવાનો પર થયેલા ૨૨ હજાર કેસ પરત ખેંચવાનું ભાજપ સરકારે વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપે પોતાના વચનનું પાલન કરેલ નથી. પાટીદારોની નસેનસમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાનું લોહી વહે છે. આ એ જ સરદાર પટેલ છે કે જેમણે હૈદ્રાબાદના નવાબ હોય કે જૂનાગઢના નવાબ હોય, તેમને દેશની તરફેણમાં ઝુકાવીને આ વિસ્તાર ભારતમાં સામેલ કર્યા હતા, આવા સરદાર પટેલના વંશજો કોઈ પક્ષના પીઠ્ઠુ હોઈ શકે નહીં. ભાજપ સરકારથી નારાજ થઈને પાટીદારો દ્વારા પાટીદાર ન્યાય પંચાયત બોલાવવામાં આવેલ, જેમાં કોંગ્રેસ પક્ષ પાટીદાર ધારાસભ્યોએ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદારોની વેદના સાંભળી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY