ગુજરાતમાં ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા હજુ પણ રહસ્ય, સરકારે આપી ઝડપી તપાસની હૈયાધારણ

0
660
Gujarat Bjp Leader Jayanti Bhanisali Murder Still Mystrey Government Give Speedy Investigation Case

ગુજરાતમાં ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને રહસ્ય હજુ પણ અકબંધ છે. જેની માટે એસઆઈટી રચના પછી પણ કોઈ નક્કર પુરાવા મળી શકયા નથી. તેવા સમયે ગુજરાત સરકાર આ ઘટનાની તલસ્પર્શી તપાસ કરવાની હૈયાધારણ આપી રહી છે.

ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની હત્યા થઇ છે તે સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અને ઘટનાને અંજામ આપનાર કસૂરવારો સામે કડકમાં કડક હાથે પગલાં લેવાશે.તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ બનાવને મુખ્યમંત્રીએ અત્યંત દુઃખદ ગણી દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે યોગ્ય પગલાં સત્વરે લેવા અને કડક હાથે પગલાં લઇ સજા અપાવવા સૂચનાઓ આપી છે.

મંત્રી જાડેજાએ જણાવ્યું કે, ઘટનાની હકિકતલક્ષી અને સર્વગ્રાહી તપાસ થાય તે માટે રાજ્ય સરકારે સી.આઇ.ડી. ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટીયાની દેરખેર હેઠળ અને રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમારના અધ્યક્ષે સાત સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી તપાસનો દોર યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. આ માટે એફ.એસ.એલ.ના અધિકારીઓ બેલેસ્ટીક એક્સપર્ટ, ફીંગરપ્રીન્ટ એક્સપર્ટની મદદ લઇને તપાસ આરંભાઇ છે. જરૂરી પરિક્ષણના નમૂનાઓ પણ બનાવના સ્થળેથી મેળવીને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

જાડેજાએ ઉમેર્યું કે, પોલીસ તપાસ મુજબ તારીખ ૭મી જાન્યુઆરી- ૨૦૧૯ના રોજ મોડી રાત્રે ૧૨:૩૦ કલાકની આસપાસ સામખીયાળી રેલ્વેસ્ટેશન નજીક સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. એચ/૧ના સીટ નં. ૧૯ પર ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના સમયે અજાણી વ્યક્તિઓએ તેમના પર ફાયરીંગ કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમને રેલ્વે પોલીસે માળીયા મીયાણાના સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ ધારાસભ્યશ્રીના સ્વજનોની રજૂઆત સંદર્ભે મૃતકનું પોસ્ટમોર્ટમ પેનલ ડૉકટર દ્વારા વિડીયો ગ્રાફી સાથે અને ફોરેન્સીક મેડીકલ ઓફીસર અમદાવાદની ઉપસ્થિતિમાં સિવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે કરાયું છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, પૂર્વ ધારાસભ્યના મોતની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનાથી લીધી છે. અને ઝડપથી તપાસનો દોર ન્યાયિક રીતે હાથ ધર્યો છે. ઘટનાની તપાસ દરમ્યાન કોઇપણ વ્યક્તિ કોઇપણ પક્ષનો હશે તો પણ જો તે કસૂરવાર હશે તો તેની સામે કડકમાં કડક હાથે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ રાખશે નહિ તેમ તેમણે ઉમેર્યું હતું. આ બનાવની સંવેદનશીલતાને ધ્યાને રાખી રાજ્ય સરકારે ઝડપથી કાર્યવાહી થાય તે માટે સીટની રચના કરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY