ભાજપના ગૃહકંકાસને ઢાંકવા પોલીસના સહારે સરકાર લોકશાહીનું દમન કરી રહી છે : પરેશ ધાનાણી

0
911
Gujarat Bjp Try To Hide Own Internal Dispute By Use Police To Destroy Democracy Allage CLP Paresh Dhanani

ગુજરાતમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપના ગૃહકંકાસને ઢાંકવા પોલીસના સહારે સરકાર લોકશાહીનું દમન કરી રહી છે. તેમજ પત્રકારો ઉપર પોલીસ દ્વારા હિંસક હુમલો કરાવીને ગૃહ મંત્રી સમગ્ર ગુજરાતમાં નાહકનો ગોકીરો કરાવી રહ્‌યા છે. જગતના તાતના કલ્‍યાણ માટે ગરીબ યુવાનોને પૂરતા સરકારી અવસર અને ખેડૂતોની દેવામાફી સહિતના મુદ્દે અન્‍નના દાણાનો ત્‍યાગ કરીને ઉપવાસ આગળ ધપી રહ્‌યા છે,જેનો આજે અઢારમો દિવસ છે ત્‍યારે સીધો સવાલ થાય છે કે, શું ઉપવાસ આંદોલનના અઢાર દિવસ પછી પારણા લટકાવીને બાપુએ બાળહત્‍યાની સોપારી લીધી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સમગ્ર વિપક્ષે મુખ્‍યમંત્રીને આવેદન આપીને આંદોલનકારીઓ સાથે આ સંવેદનાહીન અને અહંકારી સરકાર સીધો સંવાદ સ્‍થાપિત કરે, તેની સમસ્‍યાઓને સાંભળે-સમજે અને તેનું સકારાત્‍મક નિરાકરણ આવે તેવી વિનંતી કરવા છતાં ગુજરાતમાં વર્ગવિગ્રહ કરવાના બદઈરાદાથી અશાંતિનું આંધણ મૂકવાનું સરકાર શું કામ ષડ્‍યંત્ર કરી રહી છે એનો ભાજપ સરકાર જવાબ આપે તેવી અપેક્ષા રાખીએ છીએ.

પહેલાથી લઈ છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ પક્ષનું સ્‍ટેન્‍ડ ખૂબ ક્‍લીયર-સ્‍પષ્‍ટ-પારદર્શી અને લોકહિતમાં વ્‍યાજબી પણ છે. ગુલામીની જંજીરમાં જકડાયેલા ભારતમાં રાજ્‍યના પનોતા પુત્ર પૂ. મહાત્‍મા ગાંધીજીએ ઉપવાસ નામના અમોઘ શસ્‍ત્રનો સામાન્‍ય માણસને અધિકાર આપ્‍યો હતો. પૂ. બાપુના કહેવા મુજબ, ઉપવાસ નામનું શસ્‍ત્ર એ સૂતેલી સરકારને જગાડવાનો રામબાણ ઈલાજ છે, પરંતુ ઉપવાસ એ જીવનનો અંત લાવવા માટેનો પ્રયાસ ન બને એના માટે આપણે સહુએ સામુહિક પ્રયાસ કરવો જોઈએ.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે ટૂંકા દિવસો માટે બોલાવવામાં આવતા વિધાનસભા સત્રમાં સત્તામાં બેઠેલા લોકો દ્વારા વિધાનસભાની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો થાય અને લોકોની સમસ્‍યાઓને વાચા આપવા માટે મળેલ અવસરનો સરકાર દ્વારા વ્‍યય કરવા માટેનો સતત સરકાર દ્વારા જ પ્રયાસ થઈ રહ્‌યો છે. આવી ગંભીર સ્‍થિતિ વચ્‍ચે સામાન્‍ય માણસ એની અપેક્ષાઓની પૂર્તિ માટે સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા માટે કે એના બંધારણીય અધિકારોના રક્ષણ માટે ન્‍યાયપાલિકાનો આશરો લે તો પણ વર્ષો વીતે લોકોને ન્‍યાય ન મળે એવી વ્‍યવસ્‍થાના ભાગસ્‍વરૂપ સરકાર દ્વારા લાખો પડતર કેસોનો નિકાલ કરવા માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી.

લોકશાહી વ્‍યવસ્‍થાને ભરી પીનારી આ ભાજપ સરકાર હવે લોકોના રોષને ખાળવા માટે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ કરી રહી છે. એનો ભોગ પહેલાં સામાન્‍ય પ્રજા બની, પછી સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરતી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને સંગઠનો બન્‍યા, ત્રીજા તબક્કે ટીકાકારો અને રાજકીય વિરોધીઓ બન્‍યા, હવે ચોથા તબક્કામાં આમ જનતાની સમસ્‍યાઓને અવાજ સ્‍વરૂપે સતત પ્રગટ કરવાનો પ્રયત્‍ન કરી રહેલ પત્રકારો પણ સરકારના ગુસ્‍સાનો ભોગ બની રહ્‌યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY