ગુજરાત કોંગ્રેસ શુક્રવારે લોકપ્રશ્નોને વાચા આપવા લોન્ચ કરશે “લોક સરકાર” એપ

0
1443
Gujarat Congress Will Launch Lok Sarkar App Tomorrow To Loud People Grievances

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે બપોરે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ‘લોક સરકાર એપ’ લોન્ચ કરવામાં આવશે. આ એપને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના હસ્તે લોન્ચ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ૨૬ જુનના રોજ પત્રકાર પરિષદમાં રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત કરી હતી.પરેશ ધાનાણીએ લોક સરકાર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોક સરકાર એટલે લોકો વતી, લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકારના કાન સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા, સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પહોંચાડવાનો છે.આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઈ રહી છે. ‘લોક સરકાર’નો ઉદ્દેશ લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશક્ત બનાવવાનો છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં આજે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. પોતાની સમસ્યાની કયા વિભાગને રજૂઆત કે ફરિયાદ કરવી તેની પૂરતી સમજ નથી. પરિણામે સામાન્ય માણસ સરકારી વિભાગો વચ્ચે આંટાફેરા કરવા મજબુર બની ગયો છે. લોકોએ ચૂંટેલી પોતાની કહેવાતી સરકારના બહેરા કાને પ્રજાની સમસ્યા અથડાતી નથી. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે. પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઈ રહ્યો છે. લોકો જેમ તેમ કરીને સરકારી તંત્રમાં પોતાની ફરિયાદ દાખલ કરવામાં સફળ થાય તો પણ આ ફરિયાદનું શું થયું અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં થશે તેની કોઈ જાણકારી નથી.

આ પરિસ્થિતિમાં હાલના સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને સરકાર સુધી વિરોધ પક્ષના નેતા ‘લોક સરકાર’ના માધ્યમથી પહોંચાડશે. આ ઉપરાંત લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું છે કે સરકારના માધ્યમથી લોક સમસ્યાને વાચા આપીને તેના ઉકેલની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. જો કે આ પ્રયત્નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે અને રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે લોક સરકાર રાજ્ય સરકાર સાથે બાથ ભીડશે અને ઝડપથી લોક પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY