ગુજરાતમાં પાટીદાર અનામત અંગે લાલજી પટેલે લખ્યો કોંગ્રેસને પત્ર , કરી આ માંગ

0
916
Gujarat SPG Lalji Patel Write Letter To Congress For Patidar Anamant

ગુજરાતમાં પાટીદાર અનામતને લઈને હાર્દિક પટેલ બાદ હવે સરદાર પટેલ દળ એસપીજીના લાલજી પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે સરકારને આપેલુ ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયું છે. ત્યારે તે અનામત માટે આક્રમક મુડમાં છે. તેવા સમયે લાલજી પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં અનામતને લઈને અમારો પાટીદાર સમાજ ઘણા સમયથી કાર્યક્રમો આપી રહ્યો છે.સરકારના નકારાત્મક વલણને કારણે ૧૪ પાટીદાર ભાઈઓના જીવનો ભોગ લેવાયો છે અને અનેક પાટીદાર યુવાનો પર ખોટા કેસો પણ કરવામાં આવ્યા છે.

અમારા પાટીદાર સમાજમાં અનામત અને વિવિધ મુદ્દાઓને લઈને પ્રવર્તમાન સરકાર અને વિપક્ષ પ્રત્યે આક્રોશ અને નારાજગી છે.અમારા ભોળા પાટીદાર સમાજને આ વિવિધ માંગણીઓના નિરાકરણ અંતે આ અગાઉની ચૂંટણીમાં આપના પક્ષને સાથ સહકાર આપ્યો હતો. તેમ છતાં સરકાર અને વિપક્ષે પાટીદારોને ન્યાય અપાવવા – આપવામાં આજદિન સુધી સ્ટેન્ડ ક્લિયર કરેલ નથી.

આ સાથે લાલજી પટેલે કોંગ્રેસને સ્ટેન્ડ ક્લિયર કરવા જણાવ્યું છે.

જેમાં નીચે પ્રમાણેની રજૂઆત કરવામાં આવી છે :

૧) પાટીદાર સમાજને બંધારણીય અનામત અપાવવા વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી વિધેયક પસાર કરાવી સહકાર આપવો
૨) પાટીદાર સમાજના શહીદ થયેલા ૧૪ યુવાનોના ઘરના એક સભ્યને સરકારી નોકરી અપાવવા અને વિશેષ નાણાંકીય સહાય અપાવવા સરકારમાં ઉગ્ર રજૂઆત કરવી.
૩) જીએમડીસી અને અન્ય જગ્યાએ પોલીસે કરેલા દમન સામે પગલાં ભરવા ઉગ્ર રજૂઆત કરવી.
૪) ગુજરાતમાં ખેડૂતોનું તમામ દેવું માફ થાય તે માટે ઉગ્ર રજૂઆત કરવી.
૫) કેન્દ્ર સરકારમાં લોકસભા અને રાજ્યસભામાં પાટીદાર સમાજ માટે બંધારણીય અનામત માટે તમારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદોને લેખિતમાં રજૂઆત કરી સહકાર આપવો.
૬) પાટીદાર યુવાનો ઉપર થયેલા તમામ કેસો પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરવી.

આમ ઉપરોક્ત તમામ રજૂઆત માટે સરકારમાં વિપક્ષ નેતા તરીકે ઉગ્ર રજૂઆત કરી પાટીદાર સમાજના તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તેવા ઠોસ પગલા ભરવા અપીલ કરી છે. તેમ કરવામાં કસુર થશે તો ના છૂટકે પાટીદાર સમાજ આપના વિપક્ષને પણ જાકારો આપશે. જેની નોંધ લેવી.

લાલજી પટેલે આ અગાઉ વડાપ્રધાન મોદી અને અમિત શાહને પત્ર લખ્યો હતો ત્યાર બાદ વિપક્ષ કોંગ્રેસને પણ પત્ર લખીને પાટીદારોના મુદ્દે નિરાકરણ લાવવા સરકાર પર દબાણ કરવા તેમજ માંગણીઓ અંતર્ગત પત્ર લખ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY