PM Modi ના ડ્રીમ પ્રોજેક્ટ Bullet Train નો સુરતમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો

0
3011
Gujarat Surat Farmers Also Oppose PM Modi Dream Project Bullet Train

PM Modi ના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઈને વડોદરા બાદ સુરતમાં પણ જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં મંગળવારે સુરતમાં કલેકટરે જમીન સંપાદન અંગે બેઠક બોલાવી હતી. આ પૂર્વે જ બેઠકમાંથી પોલીસ ખેડૂતોને દાદાગીરી કરીને ઉપાડી ગઈ હતી. જેના લીધે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જો કે તેના પગલે કલેકટરે તાત્કાલિક પોલીસને ફોન કરીને તેમને છોડાવવા પડ્યા હતા.

આ ઉપરાત આક્રોશિત થયેલા ખેડૂતો સભા છોડીને ચાલ્યા ગયા હતા. જેના લીધે માત્ર ૪૦ ખેડૂતો જ સભામાં હાજર રહેતા કલેકટર કફોડી હાલતમાં મુકાયા હતા. તેમજ જમીન સંપાદન અંગે કાર્યવાહી આખરે ઝડપથી આટોપી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પરત્વે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ Ahmed Patel એ જમીન સંપાદન કાનૂન -૨૦૧૩ નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાનને ખેડૂત હિતમાં પત્ર લખી ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, એન.એચ.આર.સી. એ જિલ્લાના અધિકારીઓ સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક ખેડૂતો પાસેથી ખેતીની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ખેડૂતોના પ્રતિનિધીઓની એવી માંગ છે કે આ અંગે જમીન સંપાદનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા, પુનઃસ્થાપન અને પુનઃવસવાટ ધારા, ૨૦૧૩ ના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

જમીન સંપાદન – ૨૦૧૩ ધારા અન્વયે ફરજીયાત એવી, પૂરતી નોટીસ અને પૂરતા પ્રમાણમાં જાહેરાત દ્વારા જાહેર વિચારવિમર્શની પ્રક્રિયા થવી જોઈએ. જ્યારે ખેડૂતોના જૂથો દ્વારા એવો વાંધો લેવામાં આવ્યો છે કે આવી મીટીંગ માંડ એક દિવસની નોટીસથી અને યોગ્ય જાહેરાત વગર યોજવામાં આવે છે. આમ થવાથી, આ પ્રોજેક્ટની અસરો અને આ કાયદા હેઠળ તેમને મળતાં અધિકારો વિષે તેમને જાણકારી આપવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે હવે પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ Bullet Train સામે વિરોધ શરૂ કર્યો છે. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમાં જમીન આપવાનો ઈન્કાર ખેડૂતોએ કરી દીધો છે. ગુજરાતમાં 300 જેટલાં ગામના ખેડૂતની જમીન ટ્રેનમાં જતી રહેવાની છે. હવે મહારાષ્ટ્રના 108 ગામના ખેડૂતોએ જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY