સ્કૂલ Fee નિયમનના ચુકાદા ઉપર ‘સ્ટે’ની માંગણીને હાઈકોર્ટે ફગાવી

0
6440
High Court Rejected the Demand for 'Stay' on the Verdict of the School Fee Regulation

કોર્ટે કહ્યું કે, ફી અધિનિયમન સમિતિ બંધારણિય છે

અમદાવાદ: રાજ્યમાં સ્કૂલ Fee નિયમનના કાયદા અંગે ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાના કારણે ખાનગી શાળાઓના સંચાલકોને જબરદસ્ત ફટકો પડ્યો છે. રાજ્યના ફી નિયમન અંગેના ચુકાદા ઉપર ‘સ્ટે’ મૂકવા અંગે ખાનગી શાળાઓ દ્વારા કરાયેલી માંગણીને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

હાઈકોર્ટે ખાનગી શાળાઓના સંચાલકોની માંગને ઠુકરાવતાં કહ્યું હતું કે, રાજ્યમાં જે ફી અધિનિયમન સમિતિ છે તે બંધારણિય છે. આમ કહીને હાઈકોર્ટ દ્વારા ખાનગી શાળાઓના સંચાલકોની ‘સ્ટે’ની માંગણીને ફગાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી ખાનગી શાળાઓના સંચાલકો બેફામ રીતે ફી વસૂલી નહીં શકે અને તેમની નફાખોરી ઉપર લગામ લાગશે. આ સાથે વર્ષ -૨૦૧૮ થી નવો નિયમ લાગુ પડશે.

ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બહાર પડાયેલું ‘ફી નિયમન’ અંગેનું નોટિફિકશન યોગ્ય જ છે.

જ્યારે આ નવો નિયમ રાજ્યમાં વર્ષ ૨૦૧૮થી લાગુ થશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાઈકોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હાઈકોર્ટના આ નિર્ણયનું પાલન કરશે.

રાજ્યમાં શાળા સંચાલકોની દાદાગીરીને બિલકુલ નહીં ચલાવી શકાય. હાઈકોર્ટનો ચૂકાદો શિક્ષણ જગત માટે આ ઐતિહાસિક ચૂકાદો છે.

હાઈકોર્ટના આ ચુકાદા બાદ ફી લડત સમિતિના પ્રકાશ કાપડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના ‘સ્ટે’થી વાલીઓ હાલમાં ખુશ દેખાય છે. પરંતુ રાજ્ય સરકાર પોતાના પગ બન્ને બાજુ રાખવાની સ્થિતિમાં છે. જેના કારણે વાલીઓને ખરેખર ફાયદો થશે કે નહીં, તે તો સમય જ બતાવશે.

રાજ્ય સરકારે વહેલી તકે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. રાજ્ય સરકારે પણ ફી નિયમન કમિટી પર અંકુશ રાખવું પડશે, નહીંતર આ કમિટી ‘ભ્રષ્ટાચારનું મૂળ’ બની શકે છે.

કાપડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગ્રાન્ડેટ શાળાઓની સંખ્યામાં ઘટાડો કરવા પાછળ શિક્ષણનું વેપારીકરણ જવાબદાર છે.

ગુજરાત હાઈકોર્ટે શાળા સંચાલકોની મનમાનીપૂર્વક ‘ફી’ ઉઘરાવવાના મામલે ફટકાર આપી છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે પણ ફી નિધારણ કાયદાનો તાત્કાલિક અમલ કરાવીને વાલીઓને વધારાની ‘ફી’ને પરત અપાવવી જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના ૫૦ ટકાથી વધુ વાલીઓ કે જેઓના બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. તેઓએ સરકારના ભરોસે વ્યાજે પૈસા લાવીને સરકારના કાયદાની અવમાનના કરતી શાળાઓની ફી ભરી હતી.

સરકાર દ્વારા વાલીઓને આ ફી તાત્કાલિક પાછી અપાવવામાં આવે તો તે તેઓ વ્યાજ મુક્ત થઈ શકે. શાળા સંચાલકોએ પણ વાલીઓના હિતમાં હાઈકોર્ટના આ નિર્ણયને માન્ય રાખવો જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY