જાણો …Rath Yatra નો અનોખો ઈતિહાસ

0
999
Know..The history of Rath Yatra

Rath Yatra એ એક અનેરું પર્વ છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે ને સહુ તેને જય રણછોડ…માખણચોરના દિક્ઘોષથી વધાવતાં રહે છે. ૧૪૧ વર્ષ પહેલાં અમદાવાદમાં ૧૮૭૮માં શરૂ થયેલીરથયાત્રાની પરંપરા હવે તો એક આગવી ઓળખ બની ગઇ છે.

રથયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે. વર્ષાનો પ્રારંભ થઇ ચૂકયો છે અને રથયાત્રા પણ ધર્મની ઉચ્ચભાવના સાથે ઉત્સાહભેર પસાર થઇ જશે. કારણ કે આ યાત્રા સદભાવ અને સમભાવની યાત્રા છે. જગન્નાથજીની માનવ કલ્યાણાથી રંગચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે ને સહુ તેને જય રણછોડ…માખણચોરના દિક્ઘોષથી વધાવતાં રહે છે.

૧૩૨ વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા પણ હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઇ છે. હવે તેના દર્શનાર્થે પણ શ્રદ્ધાસભર લાખો ભાવિકો જોડાય છે અને સમગ્ર અમદાવાદમાં જાણે કે ધન્યતા અને અહોભાવનો મહાસાગર હિલ્લોળા લે છે.

જગદીશ મંદિરના મહંતશ્રી નરસિંહદાસજીના નેતૃત્વમાં ઇ.સ. ૧૮૭૮ની અષાઢીબીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો જે આજદિન સુધી ૧૩૩મા વર્ષે પણ નીકળનારી રથયાત્રા કોઇપણ પ્રકારના વિઘ્નવિના અવિરતપણે વહેતી રહીને વર્ષોવર્ષ તેનું મહાત્મ્ય અને મહત્વ અધિકાધિત વધારતી રહી છે!

ઇ.સ. ૧૮૭૮માં સૌપ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ-સંતો, ભજનમંડળીઓ, નિશાન, ગજરાજો, ધજા-પતાકા, ઢોલ-નગારાં અને બેન્ડવાજાં સામેલ હતાં પરંતુ સમયનાં પરિવર્તને પાછળથી આ રથયાત્રામાં પોલીસદળ, અખાડાઓ, ટ્રકો અને ઊંટગાડીઓ જોડાઇ. આ ટ્રકોમાંથી ઠંડું પાણી, મગ-જાંબુ-કાકડી ને ચોકલેટો વહેંચવામાં આવતાં હતાં જે આજે પણ વહેંચાય છે. ગુલાલના ગુબ્બાર ઉડાવતી ભજનમંડળીઓની સાથે કાનઘેલી સાહેલીઓ રાસ રમતી માથે મટુકી મૂકીને તરહ તરહનાં નાચગાન કરે છે. અખાડાની સાથે અંગકસરતનાં કરતબો દર્શાવતી મોટી ફોજ રથયાત્રાની છડી પોકારતી આજે પણ આગળ ધપે છે.

ભારતમાં બ્રિટિશ સલ્તનત સામે ચાલતા આઝાદીના સંગ્રામની સીધી અસર પણ રથયાત્રામાં જોવા મળતી હતી. ઇ.સ. ૧૯૩૦માં કોલકાતામાં રથો પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ જોઇ અંગ્રેજ સરકારના દેશી સપિાઇઓએ રથયાત્રીઓને રથો પરથી ત્રિરંગો ઉતારવાનો આદેશ આપ્યો, પરંતુ રથયાત્રીઓએ ત્રિરંગાની શાન જાળવવા ત્રિરંગો ઉતારવાને બદલે રથો ઊભા રાખી માર્ગ પર બેસી ધરણાં કર્યા અને સરકારને પીછેહઠ કરવાની ફરજ પાડી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રથયાત્રાના સ્વાગત માટે તોરણોની સાથે સાથે અનેક સ્થળોએ અંગ્રેજ સરકારથી ડર્યા વગર ત્રિરંગો લહેરાવવામાં આવતો હતો.

આજે આપણે કોઇને કહીએ કે વર્ષો પહેલાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી તો નવાઇ લાગશે અને આ વાત કોઇ માનશે નહીં પરંતુ ખરી વાત છે કે પ્રારંભનાં વર્ષોમાં રથયાત્રા મર્યાદિત વિસ્તારોમાંથી જ પસાર થતી હતી, પરંતુ ભક્તજનોને ભગવાનનાં દર્શનનો લાભ મળે તે માટે તેની પરિક્રમાનો માર્ગ બદલાતો રહ્યો.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પહેલાં રથયાત્રા જમાલપુર મંદિરેથી નીકળી કેલિકો મિલ થઇ ગીતા મંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ થઇ સરસપુર ખાતેના વિરામ સ્થળે પહોંચતી. ત્યાં થોડોક વખત વિરામ કર્યા બાદ રથયાત્રા પ્રેમદરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઇને રતનપોળ જેવી સાંકડી પોળોમાં દાખલ થતી. રતનપોળના નાકેથી ફુવારા, ફુવારાથી ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ અને રાયપુર દરવાજા, ગીતામંદિર થઇ સાંજના જ મંદિર પરત ફરતી પરંતુ આજેરથયાત્રાના માર્ગમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે.

હાલ સવારના સાત વાગે રથયાત્રા મંદિરેથી નીકળી ખમાસા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયાં ભાવતાં ભોજનો જમી થોડોક વિરામ લીધા પછી તાજા થયેલા રથયાત્રીઓ આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુરથી કાલુપુર સર્કલ, જોર્ડનરોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર રંગીલાચોકી, આરસી હાઇસ્કૂલ, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, માણેકચોક, દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા થઇને નજિ મંદિરમાં પરત ફરે છે.

૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછીની પ્રથમ રથયાત્રામાં હજારો લોકો દર્શનાર્થે ઊમટયા હતા પરંતુ આરથયાત્રામાં દર વર્ષે પગપાળા સાથે રહેતા મહાનસંતશ્રી નરસિંહદાસજી સ્થૂળ દેહે હાજર નહોતા. તે વર્ષે નવા મહંત સેવાદાસજીએ આ રથયાત્રાની આગેવાની લીધી હતી. આ રથયાત્રાની ખાસ વાત તો એ હતી કે મુંબઇથી આવેલા સરકારી કર્મચારીઓ પોતાના કુટુંબ સાથે અમદાવાદની રથયાત્રાનો ઐતિહાસિક મહોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં આવ્યા હતા.

આજના આધુનિકીકરણ અને પશ્ચિમીકરણની અસર સમાજ પર જરૂર પડી છે, પરંતુ તેની કોઇ જ અસર આરથયાત્રા પર પડી નથી. ભલે ટી.વી. પર ચેનલો દ્વારા રથયાત્રા દેખાડવામાં આવતી હોય પરંતુ દર વર્ષે ભગવાનનાં સન્મુખ દર્શન કરવા લોકોની સંખ્યામાં વધારો થતો જ રહ્યો છે.

આજે પણ એ જ સૂત્રો સાથે પરંપરાગત નીકળનારી ૧૩૩મી રથયાત્રામાં લોકો દૂર દૂરથી આવી ભગવાનનાં દર્શન કરશે અને જય રણછોડના નારા સાથે ધન્યતા અનુભવતા પોતાના ઘરે જઇ સ્મરણોને હૃદયમાં રાખી આવતી રથયાત્રાની વાટ જોશે… જય રણછોડ….

રથયાત્રાની વિશિષ્ટતા

જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે.બલભદ્રજીના રથનું નામ તલધ્વજ છે.સુભદ્રાજીના રથનું નામ કલ્પધ્વજ છે.શ્રી જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો છે તેના સારથિ દારૂકાજી છે.શ્રી બલભદ્રજીનો રથ લાલ અને ભૂરા રંગનો છે તેના સારથિ મતાલી છે.શ્રી સુભદ્રાજીનો રથ લાલ તેમજ શ્યામ રંગનો છે તેના સારથિ અર્જુન છે.પ્રસાદ તરીકે મગ અને જાંબુ આયુર્વેદ દ્રષ્ટિકોણથી રાખ્યાં છે.ગરીબ-અમીરની ભેદરેખાને ભૂંસવાના પ્રતીકરૂપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સોનાના ઝાડુ વડે સ્વયં રથયાત્રાના માર્ગની સફાઇ કરીને વિધિવત્રથયાત્રાનો પ્રારંભ કરાવશે.કલાત્મક રીતે શણગારેલા ગજરાજો રથયાત્રાનું પ્રયાણ કરાવશે.રથયાત્રાનું સૌ પ્રથમ નિમંત્રણ ‘સરજુપ્રસાદ’ નામના ગજરાજની સમાધિએ અપાય છે.

જગન્નાથજીનું મંદિર લગભગ ૪૫૦ વર્ષથી અધિક પ્રાચીન છે. અંગ્રેજ રાજના સમયે અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં આજની જેમ ભક્તજનોનો પ્રવાહ અખંડિત વહેતો જ રહ્યો છે. મંદિર અને તેના મહંતો અમદાવાદનાં સામાન્ય નર-નારીનાં શ્રદ્ધા અને ભક્તિનાં ધ્યોતક રહ્યાં છે.

સૌ પ્રથમ રામાનંદી સંત હનુમાનદાસજીએ આ મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી ત્યારે આ સમગ્ર તપોભૂમિ પર એક વિશાળ વટવૃક્ષ હતું અને આ વૃક્ષનાં સાંનિધ્યમાં કેસરિયા ગણેશજી, હનમાનજી એવમ્ વૈધ્યનાથ મહાદેવ બિરાજમાન હતાં. અડાબીડ જંગલ વચ્ચે દૂર સાબરમતીનો પવિત્ર કિનારો હતો જ્યાં સ્મશાન હતું જે આજે પણ ‘સપ્તર્ષિના આરા’ તરીકે જાણીતું અંતિમધામ છે.

હનુમાનદાસજીના બ્રહ્નલીન બાદ એક દિવસ રામાનંદી વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયના મહંતશ્રી સારંગદાસજીએ ભારત ભ્રમણ કરતાં કરતાં ઓરિસ્સા સ્થિત જગન્નાથપુરીના મંદિરમાં જિંદગીનાં અંતિમ વર્ષો ભગવાન જગન્નાથજીની સેવાથેg રહેવાનું વિચાર્યું ત્યારે ભગવાન જગન્નાથજીએ સ્વપ્નમાં આવી કહ્યું : ‘મારા સાંનિધ્યમાં અહીં પુરીમાં ન રહેતા કર્ણાવતી જા ત્યાં મારું મંદિર બનાવી બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી કર્ણાવતીમાં જ પાછલી જિંદગી પૂર્ણ કરજે.

કર્ણાવતીમાં તારા શિષ્ય બાલ મુકુંદદાસજી તેમજ નરસિંહદાસજી તારી પ્રતીક્ષા કરે છે.’ અને સારંગદાસજી કર્ણાવતી નગરીમાં પાછા પધાર્યા. બાલમુકુંદદાસજી અને નરસિંહદાસજી મહારાજના પુરુષાર્થથી શ્રી જગન્નાથજીના મંદિરનું નિર્માણ થયું. તેમાં પુરીના કાષ્ઠ કારીગરો પાસે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓ તૈયાર કરવી અને વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

સંત સારંગદાસજીએ દેહ છોડ્યા બાદ મહંતપદે બાલમુકુંદદાસજી આવ્યા. તેમણે ગુરુએ સોંપેલું કાર્ય આગળ ધપાવ્યું. તેઓનાં પરમાર્થ અને કલ્યાણકારી કાર્યોની સુવાસ પ્રસરતી ગઈ મહંત બાલમુકુંદદાસજી બ્રહ્નલીન થતાં તેમના શિષ્ય મહંત નરસિંહદાસજીએ મંદિરની સઘળી જવાબદારી ઉપાડી લીધી.

મહંત નરસિંહદાસજી પરમજ્ઞાની સાથે સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા હતા. તેઓ દેશનાં અનેક તીર્થધામોની યાત્રા કરી ચૂક્યા હતા. જેમાં પુરીના ભવ્ય જગન્નાથજી મંદિરનો પણ સમાવેશ થતો હતો. નરસિંહદાસજીએ સહુ પ્રથમવાર ઈ.સ. ૧૮૭૮ની અષાઢી બીજની વહેલી સવારે એક ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કર્યો… જે આજ દિન સુધી ૧૩૩મા વર્ષે પણ કોઈપણ પ્રકારનાં વિઘ્ન વિના અવિરતપણે વહેતી રહી છે.

આમ, અમદાવાદના મહાનગરની એક ભવ્ય પરંપરાનો પ્રારંભ કરાવી મહંત નરસિંદાસજી મહારાજ બ્રહ્નલીન થયા. ત્યારબાદ ગાદી સંભાળી સેવાદાસજીએ. મહંત સેવાદાસજીએ હવે મંદિરના વિકાસનું કાર્ય હાથમાં લીધું અને મંદિર સંકુલનો વિકાસ કર્યો તથા રથયાત્રાને વધુ સુનિયોજિત કરી. તેઓના બ્રહ્નલીન બાદ મહંત રામહર્ષદાસજી ગાદીપતિ તરીકે બિરાજ્યા.

તેઓ ૬ જુલાઈ ૧૯૯૪માં બ્રહ્નલીન થયા અને તેમના સ્થાને મહંત તરીકે રામેશ્વરદાસજી બિરાજ્યા જે આજ પયઁત મહંત તરીકે પ્રતિષ્ઠિત છે. તેઓનું વિદ્ધતાપૂર્ણ વ્યક્તિત્વ અને દીર્ઘદ્રષ્ટિના કારણે મંદિરની પ્રવૃત્તિઓ વિકસતી ગઈ. તેઓએ અનેક શિષ્યગણ અને સાધકો સાથે રહી તેઓએ મંદિરના ભવ્ય પુન: નિર્માણનું કાર્ય સંપન્ન કર્યું અને વિકાસગાથા આગળ ધપતી રહી.આમ નરસિંહદાસજીએ પ્રારંભેલી પરંપરા આજે ૧૩૩મા વર્ષમાં પ્રવેશી છે. હવે તો આ રથયાત્રા અમદાવાદની આગવી ઓળખ બની રહી છે.

રથયાત્રા સાથે સંકળાયેલી દંતકથાઓ

રથયાત્રા અંગે ઘણી કથાઓ પુરાણોમાં મળી આવે છે. ભગવાન કૃષ્ણનું કાસળ કાઢી નાખવાના હેતુથી કંસે અક્રૂરજીને રથ લઇને ગોકુળ મોકલ્યા. કૃષ્ણ-બલદેવ બંને અક્રૂરજી સાથે મથુરા જવા નીકળ્યા તે દિવસનેરથયાત્રાના ઉત્સવ તરીકે ભક્તો ઊજવે છે. એક એવી પણ કથા સંભળાય છે કે શ્રીકૃષ્ણ રાધાજીને લેવા ખુદ રથજોડીને બરસાના ગયા ત્યારથી રથયાત્રાની શરૂઆત થઇ છે.

વળી, કંસવધ પછી મથુરા નગરીને દર્શન આપવા માટે શ્રીકૃષ્ણ-બળદેવની રથયાત્રા નીકળી હતી તેની સ્મૃતિમાં પણ આ ઉત્સવ ઊજવાય છે. જેઠ પૂણિgમાએ ભગવાનને જયેષ્ઠાભિષેક કરવાથી તેમનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે છે તેથી અષાઢ સુદ બીજ સુધી દર્શન બંધ રહે છે. ત્યાર બાદ અષાઢીબીજે રથયાત્રા રૂપે પ્રભુને દર્શનાર્થે ફેરવવામાં આવે છે.

ગજરાજ : આપણી સંસ્કૃતિકમાં પ્રથમ ગણપતિ પૂજનનું મહત્વ છે. એ દ્રષ્ટિએ ગજરાજ રથયાત્રાનું અભિન્ન અંગ છે. ઇન્દોરના મહારાજાએ અમદાવાદના જગન્નાથજીના મંદિરને ‘સરજુપ્રસાદ’ નામનો હાથી ભેટ આપ્યો હતો અને તે પરંપરાગત રથયાત્રામાં જોડાતો હતો. તે મૃત્યુ પામતા તેની સમાધિ સમાધિની પાસે ગણપતિ મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં નિત્ય પૂજાપાઠ પણ થાય છે. રથયાત્રાનું નિમંત્રણ આ ‘સરજુપ્રસાદ’ની સમાધિ અને જગન્નાથજી મંદિરની સામે આવેલા હનુમાનજી મંદિરમાં પણ આપવામાં આવે છે.

ભગવાન જગન્નાથજી ગુજરાત દર્શને

રથયાત્રા સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાથી દર વર્ષે ઊજવાય છે. રાજ્યનાં લગભગ બોત્તેર જેટલાં ગામો અને શહેરોમાં અમદાવાદની જેમ રથયાત્રા નીકળે છે. આપણે આજે ગુજરાત દર્શને નીકળેલા જગતના નાથને જાણીશું.

ડાકોરના ઠાકોરની રથયાત્રા : અષાઢીબીજની રથયાત્રા એ તિથપિ્રદાન છે. જ્યારે ડાકોરના ઠાકોરની રથયાત્રા એ નક્ષત્રપ્રદાન છે. અષાઢ માસના પુષ્ય નક્ષત્રમાં આ રથયાત્રાનું આયોજન ડાકોરધામમાં થાય છે. રાજા રણછોડ સોનાના સિંહાસનનો ત્યાગ કરીને વહાલસોયા ભક્તોને દર્શન આપવા નીકળે છે. ગોમતીની ચારે બાજુની હરિયાળીને પોતાની અમીદ્રષ્ટિથી નવપલ્લતિ કરે છે.

રાજા રણછોડ હાથી પર ચાંદીની અંબાડીમાં અને ચાંદીના રથમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળે છે. મંદિરના પરિસરમાં ઠાકોરજીને પાંચ પરિક્રમા કરાવવામાં આવે છે. જય રણછોડ… માખણચોરના ગગનભેદી જયનાદોથી આકાશ ગુંજી ઊઠે છે. ભાવિક ભક્તોનો મહાસાગર ઠાકોરજીના રથને ખેંચવા પડાપડી કરે છે. પ્રભુનું આરોગ્ય વર્ષભર નિરામય રહે તે માટે અષાઢ માસના પુષ્ય નક્ષત્રનો પવન પ્રભુનાં અંગોને સ્પર્શે તે જરૂરી છે તેથી આ રથયાત્રા પરંપરાગત નીકળે છે.

વલસાડ : અમદાવાદ પછીના ક્રમે આવતા વલસાડના જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની દેદીપ્યમાન મૂર્તિઓ શોભી રહી છે. ૨૫૦ વર્ષ પુરાણા આ મંદિરના ટ્રસ્ટ દ્વારા અને નગરજનોના પૂરેપૂરા સાથ અને સહકાર થકી દર વર્ષે અષાઢીબીજના શુભદિને પરંપરાગત મંદિરેથી ભવ્ય રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં યાત્રીઓનું પાણી, છાશ અને શીતળ શરબત દ્વારા ભાવભીનું સ્વાગત થાય છે. આ રથયાત્રામાં વિવિધ મંડળો દ્વારા ભજનકીર્તન, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા અખાડાના સાધુ-સંતો દ્વારા અંગકરતબના ખેલ દર્શાવવામાં આવે છે. ભક્તોને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ છુટા હાથે અપાય છે. રથયાત્રા બાદ મંદિરમાં મહાઆરતી થાય છે અને ત્યાર બાદ સૌ રથયાત્રીઓ અને ભાવિક ભક્ત સમુદાયને મહાપ્રસાદનું વિતરણ કરાય છે.

ભાવનગર : ૨૫ વર્ષ પહેલાં ભાવનગરમાં રથયાત્રાનું સુંદર આયોજન થયું હતું. અઢાર કિ.મી.ના લાંબા રૂટ પર આ રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં ૮૦ ટ્રકો, ૫ હાથી, ઘોડા, ઊંટગાડી, ટ્રેકટરો, સાધુસંતો, બેન્ડવાજાં, ઢોલનગારા અને ભજનમંડળીઓના જયકારા સાથે રથયાત્રાનું પ્રયાણ કરાવવામાં આવે છે. આ રથયાત્રા ભગવાનેશ્વર મહાદેવ, સુભાષનગર, ઘોઘારોડ, ભરતનગર, સંસ્કાર મંડળ, કાળાનાળા, વડવા, જશોનાથ ચોક, ઘોઘાગેટ વગેરે સ્થળોએથી ફરી રાત્રે ૮.૦૦ કલાકે ધર્મસભાના રૂપમાં ફેરવાઇ જાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY