દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ જાન્યુઆરીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમાં પીએમ મોદી ૧૭ જાન્યુઆરીના રોજ ટ્રેડ શોને ખુલ્લો મુકશે. તેમજ આ જ દિવસે નવનિર્મિત વી.એસ. હોસ્પિટલને ખુલ્લી મુકશે. જયારે ૧૮ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમીટને ખુલ્લી મુકશે. તેમજ તેની બાદ તે સમગ્ર દિવસ ગુજરાતમાં રહીને સંગઠન પદાધિકારીઓ સાથે પણ લોકસભા ચુંટણીને લઈને ચર્ચા વિચારણા હાથ ધરે તેવી શકયતા છે.
ગુજરાતમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે દર વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમીટ આ વર્ષે તારીખ ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. જેમાં આ વર્ષે ૧૨ કન્ટ્રી પાર્ટનર બનશે. જેમાં ૧૦૦ થી વધુ દેશોના ૨૭૦૦ થી પણ વધારે ડેલીગેટ હિસ્સો લેવાનો અંદાજ છે. આ ઉપરાંત આ સમીટમાં બે દિવસમાં ૨૬૦ બી ટુ જી અને ૩૫૫ બી ટુ બી મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાનારા વાઈબ્રન્ટ સમીટ ૨૦૧૯માં વડાપ્રધાન મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ અન્ય દેશોના મહાનુભાવો પણ હાજર રહેશે. આ ઉપરાંત પીએમ મોદીની ‘ ગ્લોબલ વેલ્થ ફંડ’ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.
વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ભાવિ વિકાસ દર્શન સાથે મેઇક ઇન ઇન્ડિયા ની સાફલ્યા ગાથા બાબતે પ્રદર્શન પણ યોજાશે. જેની આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન, સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, ‘નાસા’ના સહયોગથી ‘સ્પેસ એક્સપલોરેશન’ વિષયક પ્રદર્શન, રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ સહિતની ઈવેન્ટ્સ યોજાશે.