જગન્નાથપૂરીની Rath Yatra સાથે સંકળાયેલી છે આ પરંપરા

0
354
This Unique Tradition is attached with Jagannathpuri Rath Yatra

પુરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના રથો પર નગરમાં ભ્રમણ કરે છે. રથયાત્રા એ બહુ પ્રાચીન પરંપરા છે. તેના વિશે લગભગ સહુ કોઈ જાણે છે, પરંતુ અમુક બાબતો એવી છે જે બહુ ઓછા જાણે છે અને તેમાંથી જ એક છે જગન્નાથ મંદિરની મૂર્તિઓ સાથે સંકળાયેલું રહસ્ય. વાસ્તવમાં નિશ્ચિત અંતરાલ પછી ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓ બદલી નાખવામાં આવે છે. આ વર્ષે પણ પ્રતિમાઓ બદલી દેવામાં આવી છે. નવી પ્રતિમાઓનું વિધિવત્‌ રીતે પૂજન કરીને ત્યારબાદ રથયાત્રાના દિવસે રથ પર બેસાડીને ભ્રમણ કરાવવામાં આવશે.

આ નવી પ્રતિમાઓને તૈયાર કરવાની વિધિ અને તેની સાથે જોડાયેલી પરંપર બહુ જૂની હોવાની સાથે સાથે બહુ અનોખી પણ છે.આ પ્રતિમાઓ લીમડાનાં લાકડાંમાંથી તૈયાર કરવામાં આવે છે, કારણ કે ભગવાન જગન્નાથનો વર્ણ શ્યામ રંગનો છે, તેથી લાકડાંનો પ્રયોગ પણ તેમના અનુકૂળ હોવો જોઈએ. જ્યારે બલભદ્ર અને સુભદ્રાનો રંગ ગોરો છે, તેથી તેમની પ્રતિમાઓનો રંગ તેમના જેવો જ હોવો જરૂરી છે. ત્યારે જ એ લાકડાંની પસંદગી મૂર્તિઓના નિર્માણ માટે કરવામાં આવે છે.મૂર્તિઓ બનાવવા માટે જે વૃક્ષની પસંદગી કરવામાં આવે છે અને તેના પણ કેટલાક નિયમ છે. તેમાંથી એકનું પણ પાલન ન થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિઓનું નિર્માણ થઈ શકતું નથી.

ભગવાનની મૂર્તિમાં ઉપયોગમાં લેવાના વૃક્ષમાં કેટલીક ખૂબીઓ હોવી જરૂરી છે. જેમ કે, તે વૃક્ષમાંથી ચાર મુખ્ય શાખાઓ નીકળતી હોવી જોઈએ. ભગવાન શેષશય્યા પર શયન કરે છે, તેથી તે વૃક્ષમાં સાપનો વાસ પણ હોવો જોઈએ. વૃક્ષની પાસે જ
કોઈ તળાવ, સ્મશાન અથવા કીડીઓનાં દર હોવાં જરૂરી છે. આ સિવાય વૃક્ષ ત્રણ રસ્તા પાસે હોવું જોઈએ. જો આમ ન હોય તો તે ત્રણે બાજુથી પહાડોથી ઘેરાયેલું હોવું જરૂરી છે. તે વૃક્ષની પાસે આસોપાલવ કે બીલી જેવાં વૃક્ષ હોવાં જોઈએ. જો આ બધી જ વસ્તુ હોય તો જ તે વૃક્ષનો ઉપયોગ કરીને ભગવાનની પ્રતિમાઓ બનાવવામાં આવે છે.

આ પ્રતિમાઓ ચોક્કસ સમયગાળા પછી બદલવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર જે વર્ષે અધિકમાસ તરીકે બે અષાઢ આવે તે જ વર્ષે પ્રતિમાઓ બદલવામાં આવે છે. તિથિઓ અનુસાર આવો સંયોગ ૧૪ વર્ષ અથવા ૧૯ વર્ષ પછી પણ આવી શકે છે. આ પહેલાં ૧૯૯૬માં આ પ્રતિમાઓ બદલવામાં આવી હતી. નવી મૂર્તિઓ બનાવવામાં આવે ત્યારે ઉત્સવ મનાવાય છે.જગન્નાથ મંદિર સાથે જોડાયેલી પરંપરામાં એક તરફ સૌ માટે સમાનતાની ઝલક મળે છે, સાથોસાથ જ્ઞાતિના વાડા પણ છુટતા નથી. સમગ્ર રથયાત્રામાં અનેક પંડા અને સેવકો જોડાય છે, જે જુદી જુદી જ્ઞાતિના હોય છે.

આમ છતાં પ્રસાદ ધરવાની વાત આવે ત્યારે કહેવાય છે કે બ્રાહ્મણ સિવાય બીજા કોઈએ તેને સ્પર્શ કરવો નહીં. બીજા કોઈ સ્પર્શી જાય તો તેને અભડાયેલો ગણીને ફેંકી દેવો પડે. એટલું જ નહીં, કોઇ બિનહિન્દુને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ અપાતો નથી. કોઈ પ્રવેશી જાય તો તેને ફરી ધોઇને શુદ્ધ કરવામાં આવે છે. મંદિરમાં પ્રવેશદ્વારા પાસે જ પતિત પાવન આશ્રમ છે. મંદિરમાં જેમને પ્રવેશ ના મળે તે બિન-હિન્દુ માટે આ આશ્રમ હતો.૧૬મી સદીમાં ગુરુ નાનકને પણ પહેલાં મંદિરમાં પ્રવેશવા દેવાયા નહોતા. તેમને મુસ્લિમ ગણી લેવામાં આવ્યા હતા. બાદમાં રાજાએ તેમને દર્શન કરવા અનુમતિ આપી. નાનક પ્રતિમા જોઈને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ગીત લખ્યું- ગગન મેં થાલ. આજેય આ ગીત પ્રસિદ્ધ છે. દિવાની આરતી કરવામાં આવે તે જાણે બ્રહ્માંડ હોય તેવું દૃશ્ય ખડું કરે છે એવું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે.દ્વાર પાસે જ ઉભા છે વૈકુંઠના દ્વારપાલ જય અને વિજય.

મંદિરમાં અરુણ સ્તંભ પણ છે, જે સદીઓ પહેલાં કોણાર્કના સૂર્ય મંદિરમાંથી લાવવામાં આવ્યા હતો. સમગ્ર મંદિર કિલ્લેબંધ છે. તેનું કારણ એ કે આ પ્રસિદ્ધ મંદિર પણ આક્રમકોનો ભોગ બનતું આવ્યું છે.૧૫૦૦ વર્ષના ઇતિહાસમાં ૧૮ વાર આ મંદિર પર હુમલો કરીને તેને લૂંટવામાં આવ્યું છે. સૌ પ્રથમ હુમલો પાંચમી સદીમાં ઇન્ડો-ગ્રીક રાજા રક્તબાહુએ કર્યો હતો. તે વખતે પૂજારીઓએ મૂર્તિઓને એક ગુફામાં છુપાવી દીધી હતી. ૧૬મી સદીમાં કાલાપહાડ નામના મુસ્લિમ તરીકે વટલાયેલા આક્રમણખોરે મંદિરની લાકડાની મૂર્તિઓને બાળી નાખી હતી. કદાચ આવી ઘટના પછી જ મૂર્તિઓના નવકલેવર દ્વારા પુનઃજન્મની પરંપરા શરૂ થઈ હશે.

કિલ્લાની દિવાલને મેઘનાદની દિવાલ કહેવાય છે, કેમ કે તેના કારણે ઘૂઘવતા દરિયાનો અવાજ મંદિરની અંદર આવતો રોકાય છે. આ ચમત્કારનું શ્રેય હનુમાનને અપાય છે, જેમનું મંદિર પણ બહારની તરફ આવેલું છે.મંદિરના ચાર દ્વારા છે. પૂર્વ દ્વારને સિંહ દ્વાર કહે છે. પશ્ચિમના દરવાજો વાઘ દરવાજો. ઉત્તરનો દરવાજો એટલે હાથી દરવાજો અને દક્ષિણ દ્વારને અશ્વદ્વાર કહે છે. સિંહદ્વારમાંથી પ્રવેશ કરીને ૨૨ પગથિયાં ચઢીને મુખ્ય ભાગમાં પહોંચાય છે. દરેક પગથિયે પંડાઓ બેઠા હોય છે, જે શ્રદ્ધાળુઓ માટે વિવિધ વિધિઓ કરી આપતા હોય છે. શ્રાદ્ધ કરવા માટે પણ લોકો અહીં આવે છે. હાથી દરવાજા પાસે કોઇલી વૈકુંઠ આવેલું છે. આ જગ્યાએ જ નવી કાષ્ઠની મૂર્તિઓ તૈયાર થાય છે.

બ્રહ્મા-દરુ તરીકે ઓળખાતું લાકડું ખાસ વિધિઓ દ્વારા મેળવવામાં આવે છે અને તેમાંથી જ નવી મૂર્તિઓ તૈયાર થાય છે. અહીંજ જૂની મૂર્તિઓના અંતિમ સંસ્કાર પણ થાય છે.નવકલેવર વખતે બહુ હલચલ મચી જતી હોય છે અહીં. આ સમગ્ર વિધિને બ્રહ્મ-પરિવર્તન તરીકે ઓળખાય છે. જૂની મૂર્તિમાંથી આત્માને એટલે કે બ્રહ્મ-પદાર્થને નવી મૂર્તિમાં પુનઃપ્રતિષ્ઠિત કરાય છે. પૂજારીઓ આ વિધિ કરતી વખતે આંખે પાટા બાંધી રાખે છે. સમગ્ર મંદિર પથ્થરોનું બનેલું છે. તેમાં દક્ષિણની દ્વવિડ અને ઉત્તરની નાગર શૈલીનો સમન્વય થયેલો છે. દ્વવિડ મંદિર નીચેથી ગોળ હોય છે અને ઉપર શીખરો પિરામીડ આકારના હોય છે. નાગર શૈલીમાં મંદિરો નીચે ચોરસ હોય અને ઉપર ગોળ શીખર હોય.

નિજ મંદિરમાં પ્રસાદ માટે ભોગમંડપ, દર્શનાર્થીઓ માટે વચ્ચે વિશાળ જગમોહના અને નૃત્ય માટે નટમંડપ આવેલા છે અને સૌથી છેલ્લે ગર્ભગૃહ. સમગ્ર દિવાલો પર વિવિધ મૂર્તિઓ, શિલ્પો અને ચિત્રણ છે, તેમાં યુદ્ધના દૃશ્યો પણ છે અને જાતિય આનંદના દૃશ્યો પણ છે. હાથી પર સિંહના વિજયનું એક શિલ્પ છે, જેને જીવનના ભોગવિલાસ અને મોતના ભય પર વિજયના પ્રતીક તરીકે જોવામાં આવે છે.મુખ્ય દેવના દર્શન પહેલાં મંદિર સંકુલમાં આવેલા નાના મોટા બધા જ દેવી-દેવતાના દર્શન ભક્તો કરતા હોય છે. અહીં પણ શિવમંદિર છે, મંદિરનું રક્ષણ કરનારી દેવી વિમલાનું મંદિર છે અને લક્ષ્મીજીનું પોતાનું મંદિર પણ છે. ભારતીય સંસ્કૃતિ જ એવી રહી છે જુદા જુદા પ્રકારની પરંપરા અને માન્યતાને સમાવી લેવાય. એ જ રીતે અહીં પણ વિમલા મંદિરમાં નવરાત્રી વખતે બકરાનો બલિ દેવાતો હોવાની માન્યતા છે. જોકે આ વાત ખાનગી રાખવામાં આવે છે તેમ જાણકારો કહે છે.

બલિની પરંપરા શક્તિ સંપ્રદાય સાથે જોડાયેલી છે. શક્તિપીઠ તરીકે વિમલા મંદિરમાં આ વિધિ ગુપ્ત રીતે થતી હોવાનું કહેવાય છે. લક્ષ્મીજીના મંદિરમાં તમને દિવાલ પર કમળના આકારમાં ‘મા’ એવું ચિતરામણ ચોકથી ચારે બાજુ કરેલું દેખાશે. ભક્તો પોતાના જીવનમાં લક્ષ્મીજીની કૃપા રહે તે માટે દિવાલ પર આ રીતે ચોકથી મા લખતા હોય છે. મંદિર પરિસરમાં ભક્તો ઉઘાડા પગે ફરે ત્યારે બળબળતી ગરમી હોય છે. તેમાં થોડી રાહત મળે એટલે પગથાર પર સફેદ ચૂનો મારવામાં આવતો હોય છે.

રથયાત્રાનાં દર્શન કરવા આવતા ભાવિકજનોને પ્રસાદરૃપે ફણગાવેલા મગ અને કાકડી વહેંચવામાં આવે છે. ભક્તજનો ‘જય રણછોડ, માખણચોર’ના નારા પોકારતા ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે. પણ કદી તમે વિચાર્યું છે કે આવા મોટા પ્રસંગે મીઠાઈ અને પકવાનને બદલે તેની સરખામણીમાં સાદો કહેવાય તેવો મગ અને કાકડીનો પ્રસાદ શા માટે આપવામાં આવે છે? તેનું કારણ છે કે રથયાત્રા એક લોકોત્સવ છે. લોકો યાત્રામાં સામેલ થાય છે, શ્રદ્ધાપૂર્વક રથ હાંકે છે. રથયાત્રા દરમિયાન ઘણું ચાલવાનું હોય છે. ચાલવા માટે ઘણી એનર્જીની જરૃર પડે છે, જેના માટે મગ એકદમ ફિટ પ્રસાદ છે. તે ચાલનારના પગને જોમ બક્ષે છે.મર્હિષ ચરકે તેમના ગ્રંથમાં દસ-દસ વનસ્પતિના ૫૦ વર્ગ પાડયા છે. તેમાં સૌથી પહેલો વર્ગ છે જીવનીય વર્ગ. તે વર્ગની દસેય વનસ્પતિઓ જીવનને ટકાવી રાખનારી ગણાવાઈ છે, અને તેમાં તેમણે મગને પણ સમાવ્યા છે.

દવાખાનામાં બિછાનામાં પડેલા દર્દીને ડોક્ટર મગનું પાણી લેવાની છૂટ આપતા હોય છે. મગનું ઓસામણ કેટલેક અંશે દૂધની ગરજ સારે છે. વળી મગનું ઓસામણ બીમાર વ્યક્તિઓ માટે પથ્ય ખોરાક છે. અન્ય કઠોળ પેટ માટે વાયડા છે, જ્યારે મગ ખૂબ જ ગુણકારી છે. દુર્બળ અને અશક્ત વ્યક્તિને મગ ખવડાવવામાં આવે તો તેનામાં બળનો સંચાર થાય છે. આખા મગ કંઈક અંશે વાયુ કરે છે, પરંતુ તેનું ઓસામણ નિર્દોષ ખોરાક છે. તેથી જ લાંબા ઉપવાસ પછી મગના પાણીથી પારણા કરવામાં આવે છે, કારણ કે ઉપવાસ દરમિયાન પાચનતંત્રનું કાર્ય ઘણું જ અલ્પ થઈ જાય છે.

પારણા વખતે જો ઠંડા, તીખા-તળેલા કે વાસી ખોરાક લેવામાં આવે તો પાચનતંત્ર ખળભળી ઊઠે છે, જેના કારણે રોગ થવાની શક્યતા વધી જાય છે.બીજાં દ્વિદળ કઠોળની માફક મગ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. વળી તેમાંથી વિટામિન – એ,બી, ઇ અને ડી પણ મળી રહે છે. તેમાંયે ફણગાવેલા મગ તો પોષણનો ખજાનો છે. જો ગર્ભવતી માતા દરરોજ આહારમાં ફણગાવેલા કઠોળ લે તો ગર્ભસ્થ શિશુ માટે તો ભયો ભયો. ફણગાવેલા મગ ખાવાથી વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. ફણગાવેલા મગ તદ્દન મફતમાં એ, બી અને સી વિટામિનો આપે છે. અને તે ચાવી-ચાવીને ખાવાની ટેવ પાડે છે.છેક સત્તરમી સદીથી યુરોપિયન નાવિકો દરિયાઈ સફરે નીકળતી વખતે તેમની સાથે કોથળો ભરીને મગ લઈ જતા અને મુસાફરી દરમિયાન મગ ફણગાવીને ખાતા.

Unique Tradition, Jagannathpuri Rath Yatra, Rath Yatra,

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY