ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૧૯નું પણ આયોજન, ૨૫ દેશોએ હિસ્સો લીધો

0
208
Vibrant Gujarat Global Trade Show Organise From 17th to 22 January 25 Country Become Partner

ગુજરાતમાં દર બે વર્ષે યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ ૧૭ થી ૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૧૯ (VGGTS 2019) યોજાશે.

ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે ટ્રેડ-શો અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે “ગ્લોબલ ટ્રેડ-શો પ્રદર્શનનું ઉદ્દઘાટન તારીખ 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. તારીખ 20 જાન્યુઆરી સુધી આ પ્રદર્શન બાયર-સેલર મીટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ, મીડિયા તથા અભ્યાસુ અને વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રહેશે. તારીખ 20 જાન્યુઆરીના બપોર બાદ આ પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે”.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક નવીન દ્રષ્ટિકોણ સાથે યોજાનાર આ પ્રદર્શનનો હેતુ વિવિધ ક્ષેત્રો માટે ‘બી ટુ બી’ના પ્રતિનિધિઓ માટે મુલાકાતો યોજાઈ શકે એવો એક મંચ પૂરો પાડવાનો છે. જેમાં અરસપરસ રસ ધરાવતા વેપારીઓ સાથે બેઠકો, ખરીદ-વિક્રેતા બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, વ્યાપાર નેટવર્કિંગ, તકનીકી મૂલ્યાંકન અને વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપવામાં આવશે.

મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, “વીજીજીટીએસ – 2019 માં 1500 થી વધુ દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદદારો ભાગ લે એવી સંભાવના છે. એમએઅએમઈ (MSME) અને જાહેર ક્ષેત્રના સાહસો સહિતના મોટા સ્કેલ એન્ટરપ્રાઇઝિસ વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવા માટે વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદકર્તા અને વિક્રેતાઓ વચ્ચે યોજાનાર આ બેઠકો દ્વારા રૂ. 2000 કરોડ જેટલી રકમના વેપારની આપ-લે થવાની સંભાવના છે. આ પ્રદર્શનમાં 1.5 મીલીયન મુલાકાતીઓ અને વિશ્વના વિવિધ 100 દેશોના 3000 આંતરરાષ્ટ્રિય ડેલિગેટ્સ ઉપસ્થિત રહે એવી ધારણા છે”.

આ સ્થળે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટેટ્યુ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિ, બુલેટ ટ્રેન સિમ્યુલેટર, ફાર્મ ટુ ફેબ્રિક પેવેલિયન તથા ખાદી જેવા વિષયને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ ફેશન શો આ ટ્રેડ શો પૈકીના મહત્વના આકર્ષણો છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી આ ફેશન-શો સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે તારીખ 19 જાન્યુઆરીના સાંજે યોજાશે.

ટ્રેડ-શોના અન્ય આકર્ષણોમાં ઇનોવેશન એન્ડ ટેક્નોલૉજી, સંભવિત દરેક દેશોની સહભાગીતા સાથે ખાસ કરીને રોબોટિક્સ અને લેસર કટીંગનું પ્રદર્શન, મેડીકેર અને હેલ્થ, ઑડિઓ વિઝ્યુઅલ સર્વિસિસ, આઇટીઇએસએન્ડ કોમ્યુનિકેશનજેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં વીજીજીટીએસ 2019માં 15 જેટલા દેશોના કન્ટ્રી પેવેલિયન સાથે કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ધ નેધરલેન્ડ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ઝેક રિપબ્લિક, નોર્વે, ઑસ્ટ્રેલિયા અને મોરોક્કો જેવા દેશોના પેવેલિયન હશે. એક વિશાળ આફ્રિકન પેવેલિયનમાં આફ્રિકા ખંડનું પણ પ્રતિનિધિત્વ કરતા 25 થી વધુ દેશો પણ ભાગ લેશે.

ભારત સરકારની ફ્લેગશીપ યોજનાઓના પેવેલિયન જેવાં કે, મેક ઈન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સાગરમાલા, સ્ટાર્ટપ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત અને ઇન્દ્રધનુષ પણ ટ્રેડ શોને એક નવી ઉંચાઈ આપશે. આ ટ્રેડ-શોમાં નિકાસ, વેપાર અને રોકાણની સંભાવના અંગે ઉર્જામંત્રીએ કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત 2019માં ગુજરાત સરકારે નિકાસ, વેપાર અને રોકાણની સંભાવના પર ખાસ ભાર મૂક્યો છે, ત્યારે આ ટ્રેડ શો પેવેલિયનમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ્સ એન્ડ ઇ-મોબિલીટી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્માસ્યુટિકલ્સ, બાયો ટેક્નોલૉજી, સિરામિક્સ, પોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ, પાવર એન્ડ રીન્યુએબલ્સ, સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન, ટેક્ષ્ટાઈલ્સ, ટ્રાવેલ્સ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર ટ્રીટમેન્ટ એન્ડ એન્વાર્યમેન્ટ, શિક્ષણ, સ્કીલ ડેવેલપમેન્ટ એન્ડ એન્જીનિયરીંગ વગેરે જેવા ક્ષેત્રોના પેવેલિયન ઉભા કરાયા છે.

રાજ્ય સરકારે વીજીજીટીએસ ૨૦૧૯ના આયોજન અને દેખરેખ માટે પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી એસ. જે. હૈદરના અધ્યક્ષપદે સંકલન સમિતિની રચના કરેલી છે. પત્રકાર પરિષદમાં કૃષિ અને પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી એસ. જે. હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY