નીતિન પટેલ ટેકો આપે તો Congress સરકાર બનાવવા માટે તૈયાર: ભરતસિંહ

0
6750
Congress is Ready to form Government if Nitin Patel Supported by him: Bharatsinh

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯૯ બેઠકો જીતી સત્તા ઉપર આવતાની સાથે જ ભાજપમાં યાદવાસ્થળી શરૂ થઈ ગઈ છે. ડે. સીએમ તરીકે શપથ લેનારા નીતિન પટેલે નારાજ થઈને પક્ષને અલ્ટિમેટમ આપ્યું છે. નીતિન પટેલના અલ્ટિમેટમ બાદ ‘પાસ’ નેતા હાર્દિક પટેલ પછી હવે Congress દ્વારા પણ નીતિન પટેલને પોતાને ટેકો આપવા માટે ઓફર કરવામાં આવી છે.

પ્રદેશ Congress પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, જો નીતિન પટેલ અને ભાજપના નારાજ ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપતા હોય તો રાજ્યના હિત માટે અમે ‘સરકાર’ બનાવવા તૈયાર છીએ.

પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉપેક્ષાના કારણે નીતિન પટેલે સમર્થકોને પોતાના ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે તેમના ઘર ઉપર મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલના ઘર પાસે વિશાળ શમિયાણો પણ બાંધી દેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગણતરી ભાજપના સૌથી બોલકા નેતાઓમાં થાય છે. સરકાર હોય કે પક્ષ, બંને તરફથી નીતિન પટેલ હંમેશા મીડિયા સાથે સંવાદ કરતા રહે છે.

એટલું જ નહીં, કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ ડાયરેક્ટ ફોન કરી તેમની સાથે સીધી વાતચીત કરી શકે છે. જોકે, બોલકા નેતા ગણાતા નીતિન પટેલ છેલ્લા બે દિવસથી રહસ્યમય રીતે મૌન ધારણ કરીને બેઠા છે. તેમનું આ અકળ મૌન જ તેમની નારાજગી અંગે ઘણું બધું કહી દે છે.

ભાજપ પક્ષની સાથેની નારાજગી બાદ નીતિન પટેલની મુલાકાત કરવા માટે એક પછી એક નેતાઓ પણ તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ નેતા કિરીટ પટેલ પણ આજે સવારે નીતિન પટેલની શુભેચ્છા મુલાકાત લેવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, નીતિન પટેલ જેવા વરિષ્ઠ પાટીદાર નેતાને પક્ષમાં તેમના મોભા પ્રમાણેનું સ્થાન મળવું જ જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી પોતાની પાસેથી મહત્વના ખાતાનો હવાલો છિનવી લેવામાં આવતા ભારે નારાજ થયા છે, અને તેઓ ઓફિસે પણ આવી રહ્યા નથી.

એટલું જ નહીં, સીએમ વિજય રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના આદેશોની દરકાર કર્યા વિના તેમણે પોતાના નિવાસસ્થાને પોતાના સમર્થકોને બોલાવવાનું પણ શરૂ કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જો ખુદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દરમિયાનગીરી કરવામાં ન આવી તો નીતિન પટેલ રાજીનામું આપશે તે પણ નક્કી છે, કારણ કે તેઓ નરેન્દ્ર મોદી સિવાય ભાજપના બીજા કોઈ નેતાને સાંભળવાના મૂડમાં નથી.

ભાજપથી નીતિન પટેલ નારાજ થયા છે, ત્યારે કોંગ્રેસે પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવતા તેમને પોતાની સાથે જોડાવવાની ઓફર આપી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે કહ્યું હતું કે, અમે સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછી હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાજપની નેતાગીરીના ટાર્ગેટ ઉપર છે. જો ભાજપના ધારાસભ્યો અને નીતિન પટેલ અમને ટેકો આપે તો ગુજરાતના હિતમાં અમે ‘સરકાર’ બનાવવા તૈયાર છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે જ હાર્દિક પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, ‘જો નીતિન પટેલનું ભાજપમાં અપમાન થઈ રહ્યું હોય તો તેઓ અમારી સાથે જોડાઈ શકે છે. જો નીતિન પટેલ દસ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર હોય તો હું કોંગ્રેસમાં તેમને આવકારવા અને યોગ્ય પદ આપવા માટે વાત કરીશ.’

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY