દેશમાં લોકસભાની ચુંટણી આવતાની સાથે જે ફરીએક વાર રામમંદિર નિર્માણનો મુદ્દો જોરશોરથી ઉઠવા લાગ્યો છે .જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી નહીં લેવા અંગે આક્ષેપ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપીના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ આજે કહ્યું હતું કે હવે આગામી આંદોલન રામ મંદિર નહીં તો વોટ નહીંના નારા સાથે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર પાસેથી સરયુ તટ ઉપર સભાની મંજુરી ન મળી હોવા છતાં પ્રવિણ તોગડિયા સભા કરવા માટે પહોંચ્યા હતા.તેમણે કહ્યું હતું કે છેલ્લા ૩૨ વર્ષથી સંઘ, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ એક જ મુદ્દાને લઈને રામ મંદિરનું આંદોલન ચલાવી રહ્યા હતા.
આ ઉપરાંત સંસદમાં કાનૂન બનાવીને રામ મંદિર બનાવવાની માંગ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ કામગીરી હાથ ધરી શકાઈ નથી. હવે જ્યારે આ લોકો પૂર્ણ બહુમતિ સાથે સત્તામાં પહોંચ્યા છે ત્યારે રામ મંદિરના દર્શન કરવા માટે પણ આવતા નથી. તોગડિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હીમાં ૫૦૦ કરોડના ખર્ચે ભાજપ ઓફિસ બનાવવામાં આવી છે પરંતુ રામ લલ્લા આજે પણ ખરાબ હાલતમાં છે.
પ્રવિણ તોગડિયાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર લખનૌમાં બાબરી મસ્જિદ બનાવવા જઈ રહી છે. રામ મંદિરનું વચન હજુ અધુરૂ રહ્યું છે. તોગડિયાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપતાની સાથે સાથે હવે ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે. આ અંગે વધુમાં પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ કરોડો લોકોને સાથે વિશ્વાધાત કર્યો છે અને હવે તે લોકો અમારી સાથે છે. પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો કે ભાજપના ઘણા સાંસદ- ધારાસભ્યો
અને આરએસએસના ઘણા કાર્યકરો તેમની સાથે આ આંદોલનમાં છે.
દેશમાં લોકસભા ચુંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. તેવા સમયે રામમંદિર નિર્માણનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં પણ હાલમાં જ સુપ્રિમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સાથે જોડાયેલા એક મુદ્દા પર ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ હવે નક્કી થઇ ગયું છે કે ૨૯ ઑક્ટોબરથી અયોધ્યા કેસની સુનાવણી શરૂ થશે.